ચાલુ મહિના અથવા આવતા મહિને એટલે કે, જુલાઇ કે ઓગસ્ટમાં નીટ-પીજીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાનું પ્રશ્રપત્ર પરીક્ષાનાં 2 કલાક પહેલા જ તૈયાર કરવામાં આવશે. આ પરીક્ષાના આયોજન માટે ગૃહ મંત્રાલયે એક બેઠકનું આયોજન કર્યુ હતું. આ બેઠકમાં અંતે જણાવવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં નીટ-પીજીની તારીખ જાહેર કરવામાં આવશે. નીટ-યુજી પેપર લીક વિવાદ અંગે વિવિધ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર નીટ-પીજીના આયોજનમાં સંપૂર્ણ તકેદારી રાખવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં 23 જૂને નીટ-પીજીનું આયોજન થવાનું હતું.
જોકે નીટ-યુજી પેપર લીક વિવાદ પછી નીટ-પીજીની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જોકે નીટ-યુજી પેપર લીક વિવાદ પછી કેન્દ્ર સરકાર સક્રિય અને સચેત થઇ ગઇ છે. નીટ-પીજીનાં આયોજન માટે ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીટ-યુજી પેપર લીકની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે અને તપાસ પૂર્ણ થતાં જ નીટ-પીજીની તારીખ જાહેર કરી દેવામાં આવશે.
વિવાદોમાં ઘેરાયેલ મેડિકલમાં પ્રવેશની પરીક્ષા નીટ-યુજીથી જોડાયેલ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ આઠ જુલાઇએ સુનાવણી કરશે. આ અરજીઓમાં એ તમામ અરજીઓ સામેલ છે જેમાં 5 મે’નાં રોજ યોજાયેલી પરીક્ષામાં થયેલ અનિયમિતતાઓના આરોપ મૂકતી અરજીઓ અને નવેસરથી પરીક્ષા લેવાની માંગ કરતી અરજીઓ સામેલ છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર આઠ જુલાઇએ મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠ નીટ અંગેની કુલ 26 અરજીઓ પર સુનાવણી કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500