Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિવિધ શહેરોમાં 5થી 6 વર્ષની ઉંમર ધરાવતા બાળકોમાં ADHDનું પ્રમાણ સૌથી વધુ

  • March 27, 2024 

ઓટિઝમ અને એચડીએચડી છેલ્લા કેટલાંક વર્ષોથી બાળકોમાં સૌથી વધુ જોવા મળતા સાઇકોલોજિકલ ડિસઓર્ડર છે. કોરોનાકાળ દરમિયાન લોકડાઉનને કારણે બાળકો સૌથી વધુ એક જ સ્થળ પર રહેવાને કારણે એડીએચડીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એટલે કહી શકાય કે હાલમાં અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં 5થી 6 વર્ષની ઉંમર ધરાવતા બાળકોમાં ADHDનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ઓટિઝમ પણ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર છે. જેમાં બાળક અન્ય સામાન્ય બાળકો કરતાં થોડા પ્રમાણમાં અલગ હોય છે. ઓટિઝમ ધરાવતા બાળકો જન્મથી જ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરનાં શિકાર હોય છે. ઓટિઝમ ધરાવતાં બાળકોને વિશેષ કાળજી દ્વારા તેમની સ્થિતિમાં સુધારો કરી શકાય છે. તેથી અમદાવાદ શહેરમાં ઓટિઝમ ધરાવતાં બાળકો માટે પ્રી સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેમાં હાલમાં રાજ્યનાં વિવિધ શહેરોમાંથી બાળકો માટે ઈન્ક્વાયરી પણ આવી રહી છે.


સીબીએસસી આધારિત અભ્યાસક્રમ મુજબ એપ્રિલ 2024થી આ પ્રી સ્કૂલમાં 13 જેટલાં બાળકોનાં માતા-પિતા દ્વારા પોતાના બાળકનું એડ્મિશન લેવામાં આવ્યું છે. ઓટિઝમ અને એડીએચડી ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર વિશે શહેરના પ્રસિદ્ધ સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, “ઓટિઝમ એ ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. જ્યારે એડીએચડી પણ બાળકોમાં થતો બિહેવિયર પ્રોબ્લેમ છે. આજથી 4 વર્ષ પહેલાં અચાનક કોરોના આવ્યા બાદ ઘણું બધું બદલાઈ ગયું છે. કોરોનાકાળ દરમિયાન ઘણા લાંબા સમય સુધી લોકડાઉન હતું. શાળાઓ પણ ઘણા લાંબા સમય સુધી બંધ રહી હતી અને બાળકોને શારીરિક રમતગમત માટે પણ કોરોનાના ડરથી વાલી રમવા માટે મોકલતા ન હતા. તેથી વધુ સમય માટે એક જ નાની જગ્યા પર બાળકો મોબાઇલ લેપટોપ વગેરે જેવી ઇલેક્ટ્રોનિક ગેજેટ સામે વધુમાં વધુ સમય વિતાવતા થયાં છે તથા સ્ક્રીન સાથેનો સંપર્ક વધુ થયો અને માતાપિતા સાથેના વ્યવહારમાં પણ મુશ્કેલી ઊભી થઇ.


ઉલ્લેખનીય છે કે લોકડાઉન સમય પરિસ્થિતિ ખૂબ જ કઠિન હતી, તેથી કેટલીક વખત માતા-પિતા પોતાનાં બાળકો પર ખૂબ વધુ ધ્યાન આપતાં. કેટલાંક માતાપિતા બાળકો પર ધ્યાન ન આપતાં હોવાથી કોરોના પછી એડીએચડીનું પ્રમાણ ઘણું વધ્યું છે.” છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં વધતાં ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર ADHD એટલે કે ‘અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર’. આ પ્રકાર ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરમાં બાળકોનું અટેન્શન એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ખૂબ ઘટી જાય છે. ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘટાડો થવાથી બાળક લાંબા સમય સુધી કોઈ એક સ્થળ પર કોઈ એક કાર્ય સાથે જોડાયેલું રહી શકતું નથી. તે વારંવાર ઊભા થઇ જાય છે અથવા દોડાદોડ કરે છે, તથા કોઈ કાર્યમાં લાગી જાય છે. તથા બાળ હાઇપર એક્ટિવ થઇ જાય છે.


એટલે કે, બાળકમાં ખૂબ જ ચંચળતા આવી જાય છે. એડીએચડી ધરાવતાં બાળકોનાં માતા-પિતા તેમના પર પૂરતું ધ્યાન આપી શકતાં નથી, તે ઉપરાંત શાળામાં પણ જો આ ડિસઓર્ડર ધરાવતાં બાળકો જાય તો શિક્ષકો પણ ખાસ ધ્યાન આપી શકતા નથી. કારણ કે બાળક ખૂબ જ હાઇપર એક્ટિવ થઈ જતા હોય છે. વારંવાર ઊભા થઈ જવું અથવા તો કાર્યમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું. જો શિક્ષકો કે માતાપિતા અથવા તો અન્ય બાળકો દ્વારા પણ તેમને કોઈ કાર્ય જણાવવામાં આવે તો તેમને ગુસ્સો પણ ખૂબ જલદી આવી જાય છે. એડીએચડીના આ કેટલાંક લક્ષણો છે, જે બાળકોમાં હાલના સમયમાં ખૂબ વધુ જોવા મળી રહ્યાં છે. સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીને પૂછવામાં આવ્યું કે, શું ઓટિઝમ કે એડીએચડી સંપૂર્ણ પણે મટી શકે ખરું? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “ઓટિઝમ એ ન્યૂરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે, તેમાં જુદા જુદા સ્ટેજ ઓટિઝમ હોય છે. જેથી બાળકોની તપાસ બાદ જ સંપૂર્ણ જાણકારી મળે છે કે તેની સારવાર કેવી રીતે કરવી, કેટલીક વખત કાઉન્સેલિંગ દ્વારા બાળકને કેવી રીતે સાચવવું, અથવા તેની સાથે કેવી રીતે વર્તન કરવું તે સમજાવવામાં આવે છે. પરંતુ સંપૂર્ણ પણે મટી શકતું નથી. જ્યારે એડીએચડી ધરાવતાં બાળકો દવા અને થેરાપી દ્વારા સંપૂર્ણ પણે સામાન્ય થઈ શકે છે. જેના માટે પણ માતાપિતાનું કાઉન્સિલિંગ ખૂબ અગત્યનું હોય છે. તે ઉપરાંત કેટલીક દવાઓ દ્વારા પણ હાઇપર ઍક્ટિવિટીનું પ્રમાણ ઘટાડી શકાય છે.


એડીએચડી ધરાવતાં તમામ બાળકોને ફક્ત દવાઓ આપી અથવા ફક્ત થેરાપી દ્વારા જ સામાન્ય થઈ જાય તેમ હોતું નથી પરંતુ બાળકની સ્થિતિ જાણીને જ સાઇકોલોજિસ્ટ દ્વારા તેમની જે પ્રકારના નિદાનની જરૂર હોય તે આપવામાં આવે છે. ઓટિઝમ અચ્છા એડીએચડી ધરાવતાં બાળકો માટે વિશેષ શાળાની જરૂર હોય છે કે કેમ, તે અંગે સાઇકોલોજિસ્ટે જણાવ્યું હતું કે, “હાલના સમયમાં માતા-પિતા બાળકોને લઇને ખૂબ વધુ પ્રમાણમાં સેન્સિટિવ થઇ ગયાં છે. તેને કારણે એડીએચડી ઓવર ડાયગ્નોસ થઇ રહ્યું છે. એટલે કે કેટલીક વખત બાળક સામાન્ય તોફાન કરતો હોય તો પણ તેની સાઇકોલોજિકલ ટેસ્ટ વિના જ એડીએચડીની કક્ષામાં મૂકી દેવામાં આવે છે. કોઈ પણ પ્રકારની સાઇકોલોજિકલ તપાસ વિના જ બાળકની એડીએચડીની કક્ષામાં મૂકવું અયોગ્ય છે. જ્યારે ઓટિઝમ ધરાવતાં બાળકો માટે તેમની વિશેષ શાળામાં મૂકવા યોગ્ય છે, જેથી તેમનો સર્વાંગી વિકાસ થવાની ગતિમાં વધારો થઈ શકે અને તેમના પર પૂરતું ધ્યાન આપી ઓટિઝમનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. જ્યારે એડીએચડીનું પ્રમાણ બાળકમાં કઈ કક્ષાનું છે, તે તપાસ કર્યા બાદ જો તેનું પ્રમાણ વધુ હોય તો બાળકોને થોડા સમય માટે અલગથી સારવાર આપ્યા બાદ તેને પણ સામાન્ય બાળકોની જેમ જ ટ્રીટ કરી શકાય છે.


આ પ્રકારના ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર માટે દરેક બાળકને અલગ ક્લાસરૂમમાં જ અભ્યાસ કરાવવો જરૂરી હોતું નથી. કેટલીક વખત સામાન્ય બાળકો સાથે પણ તેમને અભ્યાસ માટે મૂકીને તેમની સ્થિતિમાં સુધારો લાવી શકાય છે. આ જ પ્રકારે અમદાવાદ શહેરમાં ઓટિઝમ ધરાવતા બાળકો માટે પ્રી-સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેમાં સામાન્ય બાળકો સહિત ઓટિઝમ ધરાવતાં બાળકો પણ એકસાથે જ અભ્યાસ કરે છે. છેલ્લાં 2 વર્ષથી ચાલતી આ પ્રી સ્કૂલમાં સીબીએસસી અભ્યાસક્રમ મુજબ ગત વર્ષ નવ બાળકો હતાં. જ્યારે આગામી એપ્રિલ મહિનાથી શરૂ થનાર સત્રમાં 13 બાળકોએ એડમિશન લીધું છે. આ પ્રી સ્કૂલમાં ફક્ત ઓટિઝમવાળા બાળકો જ નહીં, પરંતુ સામાન્ય બાળકો પણ એકસાથે જ અભ્યાસ કરે છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી આ પ્રી સ્કૂલના સંચાલક સાગર નાયકે જણાવ્યું હતું કે, 2 વર્ષ અગાઉ ઓટિઝમ ધરાવતી એક બાળકીનું તેમનાં માતા-પિતા દ્વારા એડમિશન લેવામાં આવ્યું હતું.


ત્યારબાદ શાળામાં શિક્ષકો દ્વારા તેની સાથે સામાન્ય બાળકની જેમ જ વર્તન કરવામાં આવતું હતું. તેના પરથી અમને કેટલીક જાણકારી મળી કે ઓટિઝમ ધરાવતાં બાળકોની સાથે કેવી રીતે ડીલ કરવી તેમના માટે હિતાવહ રહેશે. ત્યારબાદ તે પ્રકારની એક્ટિવિટીનું આયોજન કરીને તેની વર્તણૂકમાં ઘણો સુધારો લાવવામાં સફળતા મળી છે. ત્યારબાદ ધીમેધીમે બાળકોની સંખ્યા વધતી ગઈ છે. ઓટિઝમ ધરાવતાં બાળકો માટે વિશેષ 26 પ્રકારની એક્ટિવિટી તૈયાર કરવામાં આવી છે. આ ઍક્ટિવિટીને કારણે શારીરિક અને માનસિક વિકાસ પણ થઈ શકશે. જ્યારે સામાન્ય બાળકો માટે આ એક ફન એક્ટિવિટી બની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application