વડોદરા શહેરમાં આવાસ યોજનાનો લાભ મળી ગયો હોવા છતાં સરકારી જમીન ઉપર કબ્જો જમાવી લેનારા દબાણો ઉપર આજે કલેક્ટર તંત્રનું બૂલડોઝર ફરી વળ્યું હતું. વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ સરકારી જમીન ઉપરનું દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવ્યા બાદ દબાણકર્તાઓને પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને તે પછી આજે સવારમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જમીનની બજાર કિંમત રૂ. ૫૧ કરોડ જેટલી થવા જાય છે.
વડોદરા શહેરના સયાજીગંજ કસ્બા વિસ્તારના રેવન્યુ સર્વે નંબર ૪૩૫ અને સિટી સર્વે નંબર ૪૧૫ વાળી જમીન મૂળ સરકારી ખરાબા અને ગૌચર હેઠળ ચાલે છે. આ જમીન સયાજી હોટેલ પાસે આવેલી છે અને પરશુરામના ભઠ્ઠા તરીકે ઓળખાઇ છે. આ સરકારી જમીનનું ક્ષેત્રફળ ૧૭૪૬૬ ચોરસ મિટર જેટલું છે અને તેની બજાર કિંમત અંદાજે રૂ. ૫૧ કરોડ જેટલી થવા જાય છે.
આ જમીન ઉપર ગેરકાયદે ૮૦ પાકા અને ૪૦ પતરાવાળા દબાણો થયા હતા. તે દૂર કરવા માટે કલેક્ટર શ્રી અતુલ ગોરની સૂચનાના પગલે વિધાનસભાની ચૂંટણી પૂર્વે જમીન મહેસુલ અધિનિયમની કલમ નં. ૬૧ હેઠળ દબાણો દૂર કરવા માટે સિટી સર્વે સુપરિટેન્ડેન્ટ દ્વારા હુકમો કરવામાં આવ્યો હતો.
પાકા મકાનોના દબાણર્તાઓએ એવી રજૂઆત કરી હતી કે, તેમને આવાસ ફાળવી દેવામાં આવ્યા છે, પણ તેનું પેમેન્ટ હજું બાકી છે. જ્યારે, બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ દબાણકર્તાઓને છ માસ પૂર્વે જ કબ્જો આપી દેવામાં આવ્યો હતો. આમ છતાં, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાર માસનો સમય આપવામાં આવ્યો હતો.
તેમ છતાં, ૮૦ પાકા તથા ૪૦ પતરાવાળા દબાણો દૂર કરવામાં ન આવતા તંત્ર દ્વારા જમીન મહેસુલ અધિનિયમની કલમ ૨૦૨ હેઠળ દબાણો દૂર કરવા નોટિસો પાઠવવામાં આવી હતી. જેના અનુસંધાને સિટી પ્રાંત અધિકારી શ્રી જે. જે. પટેલ અને સિટી સર્વે સુપરિટેન્ડેન્ટ શ્રી ડી. ડી. પટેલ બૂલડોઝર અને પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પહોંચી ગયા હતા. ત્યાર બાદ આ તમામ દબાણો દૂર કરી કિંમત સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. હવે પછી આ જમીનને ફેન્સિંગ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500