ખેડા જિલ્લાનાં માતર જી.આઇ.ડી.સી.ની એક ફેક્ટરીમાંથી પોલીસે ડુપ્લીકેટ ઈનોના રૂપિયા 2,22,000/-ની કિંમતના 22,200 પેકેટ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોપી રાઈટનો ભંગ થતો હોવા બાબતે માતર પોલીસની મદદથી ગ્લેક્ષો ગ્રુપ લિમિટેડ કંપનીના કર્મચારી જ્યારે તપાસ અર્થે માતર જી.આઇ.ડી.સી.માં આવેલા પ્લોટ નંબર-49માં પહોંચ્યા ત્યારે ત્યાં તેમની કંપનીનાં ટ્રેડ માર્ક સાથેના ડુપ્લીકેટ લેબલનો રોલ તેમજ લુઝ પેકિંગના પાવડરના બોક્સ મળી આવ્યા હતા.
ફેક્ટરીમાં લુઝ પાઉડર ઇનો જેવા પાઉચમાં પેક કરવાની કામગીરી કરવામાં આવતી હતી. ફેક્ટરીમાં હાજર ઈસમોની પૂછપરછ દરમિયાન આ જગ્યા અમદાવાદના આસ્ટોડિયા ખાતે રહેતા કામરાન મહંમદયુનુસ છીપાએ ભાડે લીધી હોવાનું માલુમ પડયું હતું. કોપીરાઇટ હેઠળ માતર પોલીસ દ્વારા આ મામલે ચિરાગભાઈ નરેશભાઈ પંચાલની ફરિયાદના આધારે કંપનીના માલિક કામરાન છીપા (રહે.આસ્ટોડિયા,અમદાવાદ), ભગવાનરામ રૂપારામ ભાટી (રહે.નાગોર, રાજસ્થાન) અને શેવાજ ઉર્ફે ગુડ્ડુ નસીરઅહેમદ અંસારી (રહે.અમરોહા, ઉત્તરપ્રદેશ) સામે ગુનો નોંધીને તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ખેડા જિલ્લામાં અગાઉ ભેળસેળવાળી હળદર, મરચું અને મસાલા ઝડપાયા બાદ તાજેતરમાં જ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો પણ વિજીલન્સના દરોડામાં ઝડપાયો હતો. ત્યારે ફરીથી માતર જી.આઇ.ડી.સી. માંથી ડુપ્લીકેટ ઇનોનો જથ્થો મળી આવતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500