ઉચ્છલ તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાપંચ હેઠળ તાલુકા કક્ષાએથી વર્ષ 2021-22માં ડસ્ટબીન ખરીદવા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ નક્કી થયેલી કોન્ટ્રાક્ટ એજન્સી જીઆના ટ્રેડર્સ ભરૂચ દ્વારા સુપ્રીમ કંપનીના 195 નંગ ડસ્ટબીન ખરીદવામાં આવ્યા હતા. આ ડસ્ટબીન એજન્સી અને તાલુકા પંચાયત દ્વારા અલગ-અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. આ ડસ્ટબીન ખરીદમાં એક નંગના રૂપિયા 8,970 લેખે 195 નંગના રૂપિયા 17,49,150/-નું ચુકવણું કરવામાં આવ્યું હતું. આ ડસ્ટબીન ખુલ્લા બજારમાં રૂપિયા 2,450/-માં મળે છે.
જેથી ડસ્ટબીન ખરીદીમાં મોટેપાયે ભ્રષ્ટાચાર કરી સરકારને મોટું નુકસાન થયું હોવાથી તાલુકા પંચાયતમાં વિપક્ષ કોંગ્રેસના નેતા મહેશ વળવીએ તાપી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે તેમજ આ સાથે કસૂરવારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જોકે ડસ્ટબીન મૂકવામાં પણ વ્હાલાદવાલાની નીતિ અપનાવવામાં આવી હોય તેમ નિયમ પ્રમાણે મૂકવામાં આવ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉચ્છલ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે અને ભાજપનાં નેતાઓ છાસવારે રેલી અને સરઘસમાં ભ્રષ્ટાચાર મિટાવવાની વાતો કરે છે ત્યારે ઉચ્છલ ખાતે ડસ્ટબીન ખરીદીના કથિક ભ્રષ્ટાચારની તપાસ થશે કે કેમ તે તો હવે જોવું રહ્યું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500