ગાંધીનગર શહેરના સેક્ટર ૨૬ પાસે આવેલા રેલવે ટ્રેક ઉપર મોડી રાત્રે એક યુવાનનો કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને તપાસમાં તે રાજસ્થાનનો ટાઇલ્સનો કારીગર હોવાનું બહાર આવ્યું હતું. ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગાંધીનગર રેલ્વે સ્ટેશનના માસ્ટરે રેલવે પોલીસને જાણ કરી હતી કે, એક યુવાનનો મૃતદેહ સેક્ટર ૨૬ રેલ્વે ટ્રેક પાસે પડયો છે.
જેના પગલે રેલવે પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં યુવાન કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેની પાસેથી એક મોબાઇલ પણ મળી આવ્યો હતો. ત્યારબાદ આ ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. મોબાઇલના આધારે ફોન કરતા તેના મિત્ર દેવાને ફોન લાગ્યો હતો અને તેણે યુવાનની ઓળખ આપી હતી કે, તે ભગાના ધનીયા બોડ (રહે.દીપપુરા, પ્રતાપગઢ, રાજસ્થાન) છે અને તેની સાથે ગાંધીનગરમાં ટાઇલ્સ મીટીંગનું કામ કરતા હતા. કામ ઉપરથી રજા લઈને તે નીકળી ગયો હતો. જેથી પોલીસ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને આ સંદર્ભે અકસ્માતે મોત દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. કયા કારણોસર તેણે અંતિમ પગલું ભર્યું છે તે જાણવા માટે પણ માથામણ શરૂ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500