ગાંધીનગર દહેગામ તાલુકાના હરસોલીમાં માઢ વાસમાં બંધ મકાનનું તાળું ખોલીને તસ્કરો ઘરમાંથી રૂપિયા 1.20 લાખથી વધુની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, દહેગામના હરસોલી માઢવાસ ખાતે રહેતા ઈશ્વરસિંહ કાળુસિંહ ચૌહાણ સિરામિકમાં પથ્થર કટીંગનું કામ કરે છે. જયારે તેમનો નાનો પુત્ર સિદ્ધરાજ બિમાર હોવાથી તેમના પત્ની જનકબેન તેને લઈને દવાખાને ગયા હતા. આ સમયે જનકબેને ઘરને તાળું મારીને ચાવી નજીકમાં જ દેખાય તે રીતે લટકાવી હતી. પુત્રની દવા લઈને જનકબેન ઘરે આવ્યા બાદ તાળું ખોલીને ઘરમાં પ્રવેશતા તેઓ ચોંકી ઉઠયા હતા.
તેમજ ઘરમાં બધો જ સામાન વેર વિખેર હતો. જેથી આ બાબતે તેઓએ તુરંત જ પોતાના પતિ ઈશ્વરસિંહને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. તપાસ કરતા ઘરમાં તિજોરીમાંથી રોકડા રૂપિયા 18,000 તેમજ પેટીમાં મુકેલ રૂપિયા 3000, ચાંદીના પગમાં પહેરવાના રમજા 20,000 ચાંદીની પગમાં પહેરવાની પાયલ રૂપિયા 7000, ચાંદીનો કમરમાં પહેરવાનો કંદોરો 3500, ચાંદીનું મંગળસૂત્ર 2500, ચાંદીની નાની બાળકોને પહેરવાની ચુડીયો રૂપિયા 7000, ચાંદીની લકી 8,500/-, ચાંદીના પગની આંગળીઓમાં પહેરવાના વેઢ અને સોનાની ચેઈન સાથે ઓમ રૂપિયા 50 હજારની ચોરી થયેલાનું માલુમ પડયું હતું. જેથી આ મામલે દહેગામ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500