સુરતના વેડરોડ ફટાકડાવાડી રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં પાંચ વર્ષીય દિવ્યાંગ બાળાના ભેદી મોતની ઘટનામાં બાળાની હત્યા તેની માતાએ જ કરી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થતા ચૉકબજાર પોલીસે તેની માતાની ધરપકડ કરી છે.થોડું ચાલતા જ થાકી જતી અને સંડાસ-પેશાબ ગમે ત્યાં કરતી બાળાની સેવાથી કંટાળેલી માતા ગુરુવારે સવારે બહારથી પરત ફરી ત્યારે દોઢ કલાકથી રડતી બાળા ચૂપ નહીં થતાં ગુસ્સામાં તેને જમીન પર પછાડયા બાદ ઘરમાં લઈ જઈને પણ માર મારતા તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેડરોડ ફટાકડાવાડી રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી પાંચ વર્ષની દિવ્યાંગ બાળાને તેના દાદા અને માતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.દાદા અને માતાએ બાળકીને ખેંચની બિમારી હોવાનું જણાવ્યું હતું.જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા અને તેના શરીરે તેમજ ગુપ્ત ભાગે ઈજાના નિશાન નજરે ચઢતા તેની સાથે દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાની આશંકાને આધારે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.આ તરફ બનાવની જાણ થતા દોડતી થયેલી ચૉકબજાર પોલીસે હાથ ધરેલી તપાસમાં બાળા કોઈ પુરુષના સંપર્કમાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું.આથી પોલીસે તમામ વિગતો એકત્ર કરી તેની માતા બિલ્કીશબાનુની જ ઉલટતપાસ કરતા તેણે પોલીસ સમક્ષ બાળાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
બિલ્કીશબાનુએ પોલીસને જણાવ્યું હતું કે બાળા દિવ્યાંગ હોય થોડું જ ચાલતા થાકી જતી હતી અને સંડાસ-પેશાબ ગમે ત્યાં કરતી હતી.સવારે તે કામ માટે બાળાને પડોશીને ત્યાં મૂકી બહાર ગઈ હતી.દોઢ કલાક બાદ તે પરત ફરી ત્યારે પાડોશી મહિલાએ જણાવ્યું હતું કે બાળા દોઢ કલાકથી સતત રડે છે.આથી બિલ્કીશબાનુએ બાળાને ચૂપ રહેવા કહ્યું હતું.તેમ છતાં બાળાએ રડવાનું ચાલુ રાખતા તામસી સ્વભાવની અને બાળાની સેવાથી કંટાળેલી બિલ્કીશબાનુએ તેને જમીન પર પછાડી હતી અને બાદમાં ઘરે લઈ ગઈ હતી.ઘરમાં ગયા બાદ પણ બાળાએ રડવાનું ચાલુ રાખતા બિલ્કીશબાનુએ તેને ચૂપ કરવા ફરી મોઢા, છાતી તથા પેટના ભાગે હાથથી માર માર્યો હતો.ત્યાર બાદ બાળાની તબીયત લથડી હતી.છતાં તેને દોઢ કલાક ઘરે રાખ્યા બાદ રીક્ષા ચલાવતા સસરાને બોલાવી સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહેતા તેઓ સિવિલમાં લાવ્યા હતા.જોકે, બિલ્કીશબાનુએ બાળાને ખેંચની બિમારી હોવાનું જણાવી તબીબો અને પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા.ચોકબજાર પોલીસે બાળાના દાદાની ફરિયાદના આધારે બિલ્કીશબાનુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500