અમદાવાદ જિલ્લાના કણભા પાસેના કુહા ગામમાં ચાર દિવસ પહેલા એક યુવતીનું પાણીની ટાંકીમાં પડી ગયા બાદ મોટરનો કરંટ લાગતા મોત થયાની ઘટના બની હતી. જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાઓ થયાનો ખુલાસો થતા પોલીસે શંકાને આધારે મૃતકના સાસુની પુછપરછ કરતા તેમણે જ યુવતીની હત્યા કર્યાની ચોંકાવનારી કબુલાત કરી હતી. ઘટના અંગે પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, ગત શનિવારે કણભાના કુહા ગામમાં રહેતી મિતલ ડાભી નામની 22 વર્ષની પરિણીતાનું ઘર પાસેની પાણીની ટાંકીમાં પડી જતા સમયે મોટરનો કરંટ લાગતા અને માથામાં ઇજા થતા મોત નીપજ્યાની ઘટના બની હતી.
જોકે પ્રાથમિક રીતે આ ઘટના અકસ્માત મોત તરીકે નોંધવામાં આવી હતી. પરંતુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેના માથામાં થયેલી ઇજાઓ પડવાથી નહી પણ કોઇ દ્વારા ઇંટને વધારે દબાણથી મારવાથી થઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેના આધારે ઘટના સમયે હાજર તેના સાસુ વીણાબેન ડાભીની શંકાને આધારે પુછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં પોલીસને તેમણે ગોળ ગોળ વાત કરી હતી. ત્યારબાદ આકરી પુછપરછ કરતા તેમણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે, તેમણે જ તેમના દીકરા કિશનની વહુ મિતલને માથામાં ઇંટ મારીને ટાંકીમાં ધક્કો માર્યો હતો અને વીજ કંરટથી મોત થયું છે.
તેવું સાબિત કરવા ચાલુ મોટરને પાણીમાં ફેંકી દીધી હતી. વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, વીણાબેનના દીકરાના પ્રથમ લગ્ન ભાવના નામની યુવતી સાથે થયા હતા. જેના પિતાને સંતાનમાં કોઇ દીકરો ન હોવાથી તેને કરોડો રૂપિયાની જમીન ભાગમાં મળી શકે તેમ હતી. જોકે કિશન અને ભાવનાને મનમેળ નહોતો. જેથી તે તેના પિયર જતી રહી હતી. બીજી તરફ કિશને મિતલ સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા પરંતુ વીણાબેનને મિતલ પસંદ ન હોવાથી તેની સાથે સતત તકકાર કરતા હતા. શનિવારે રસોઇ બનાવવા બાબતે તેમણે ફરીથી મિતલ સાથે ઝઘડો કરીને તેને માથામાં ઇંટ મારીને પાણીની ટાંકીમાં ફેંકીને હત્યા કરી હતી. ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વીણાબેન તેના દીકરાની પ્રથમ વહુ ભાવનાના ભાગમાં આવતી કરોડોની જમીન અને કરિયાવરમાં આવેલી સોનાની લગડી પોતાની પાસે રહે તે માટે મિતલને હટાવવા માંગતા હતા અને જે કાવતરૂ ઘડીને તેમણે મિતલની હત્યા કરી હતી. ઘટના અંગે પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500