Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધોરાજીમા વરસાદ જળધારા રૂપે નહીં પણ પણ ધોધ રૂપે વરસ્યો, ફોર વ્હીલરો પણ પાણીમાં ડુબ્યા

  • July 19, 2023 

શ્રાવણ-પુરુષોત્તમ અધિક માસના આરંભે અધિક વરસાદથી સૌરાષ્ટ્રમાં રાજ્યનો સર્વાધિક સુત્રાપાડામાં મંગળવાર રાત્રીના બે કલાકમાં પાંચ ઈંચ સહિત સવારે ૬ થી રાત્રી સુધીમાં સુપડાધારે ૧૪ ઈંચ વરસાદ વરસી જતા ચારેતરફ જળબંબાકાર સર્જાયો હતો. જ્યારે ધોરાજીમાં અતિશય ભારે ૧૦ ઈંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટ જિલ્લાના આ શહેરમાં સાંજે ૪થી ૬ માત્ર બે કલાકમાં ૬ ઈંચ સહિત માત્ર ચાર કલાકમાં ૧૦ ઈંચ પાણી ધોધરૂપે વરસી જતા શહેરના માર્ગો પાણીમાં ગરક થયા હતા.


ધોરાજીની બાજુમાં જામકંડોરણા તાલુકામાં પણ સવા બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા.  તો સૂત્રાપાડામાં સવારે ૬થી રાત્રે ૮ સુધી ચાલુ રહેલા ધોધમાર વરસાદથી ૯ ઈંચ બાદ રાત્રે વધુ પાંચ ઈંચ સાથે ૧૪ ઈંચ જ્યારે કોડીનાર ૭ ઈંચ, મેંદરડા અને વેરાવળમાં ૫ ઈંચ સહિત રાજકોટ,જુનાગઢ, ગીર સોમનાથ અને જિલ્લામાં બારે મેઘા ખાંગા થયા હતા. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી,મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ વગેરે જિલ્લામાં ઝાપટાંથી એક ઈંચ તેમજ ગુજરાતના સુરત શહેરમાં પાંચ ઈંચ તથા આણંદ, નર્મદા, ભરુચ, ડાંગ, છોટા ઉદેપુર, વગેરે જિલ્લાઓ સહિત રાત્રિ સુધીમાં ૧૨૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના  વલસાડ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. તંત્ર માટે રેડ-ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.


ધોરાજીમાં બારે મેઘ ખાંગા થયા હતા અને વરસાદ જળધારા રૂપે નહીં પણ પણ ધોધ રૂપે વરસ્યો હતો. સાંજે ૪થી ૬ વચ્ચે માત્ર દોઢ કલાકમાં જ છ ઈંચ , અને તે પહેલા બપોરે ૨થી ૪ વચ્ચે ૨ ઈંચ વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. બપોરે બાર વાગ્યે મેઘરાજાએ શહેરને ધમરોળવાનું શરુ કર્યું હતું. શહેરના નદી બજાર, ત્રણ દરવાજા, ચકલા ચો સહિત અનેક વિસ્તારોમાં કેડસમાણા એટલે કે ચાર-પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા હતા અને ઉર્ષના મેદાનમાં જતા અનેક ફોર વ્હીલરો પણ પાણીમાં ડુબ્યા હતા. હીરપરા વાડીથી જેતપુર રોડ તરફ આવવા જવાના રસ્તા બંધ થઈ ગયા હતા. શહેરમાં સ્કૂલબસો અને વિદ્યાર્થીઓ કલાકો સુધી ફસાયા હતા. અનેક દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને નુક્શાન થયું હતું.



પવિત્ર યાત્રાધામ સોમનાથમાં અધિક માસના આરંભે ધર્મોત્સવોનો આરંભ થયો તે ટાણે જ મેઘરાજા ધોધમાર વરસી પડયા હતા. સૂત્રાપાડામાં બપોરે ૨થી સાંજે ૬ સુધીના ૪ કલાકમાં ૬ ઈંચ સહિત ૯ ઈંચ વરસાદ ખાબકતા ઠેરઠેર ત્રણ ફૂટ પાણી ભરાયા હતા, જેના કારણે વાહનવ્યવહાર સ્થગિત થઈ ગયો હતો. અનેક ચેકડેમો છલકાયા છે, પ્રાંચીનું માધવરાયજી મંદિર જળમાં ડુબ્યું છે અને સીઝનનો કૂલ વરસાદ ૪૩ ઈંચ થઈ ગયો છે. સોમનાથ-વેરાવળમાં પાંચ ઈંચ ધોધમાર વરસાદથી બસ સ્ટેન્ડ, મુખ્ય બજારો, સુભાષ રોડ સહિત અનેક માર્ગો જળબંબાકાર થયા હતા. તાલાલામાં આજે ચાર ઈંચ વરસાદથી આખો પંથક પાણી પાણી થઈ ગયો હતો.


હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. હિરણ ડેમના ૭ દરવાજા ખોલાયા છે અને પ્રભાસપાટણ સહિત ગીર સોમનાથના ગામોને ચેતવણી જારી કરાઈ છે. પ્રતિ સેકન્ડ ૧૩૫૫૭ ઘનફૂટ પાણીનો ધોધમાર પ્રવાહ વહી રહ્યો છે. માધવપુર ઘેડ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.


ગ્રામ્ય વિસ્તારોથી અહેવાલો મૂજબ ગડુ સહિત ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે બપોર પછી ગાજવીજ સાથે ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો, સતત વરસાદથી મગફળીમાં આંતરખેડ થઈ શકે નથી તેથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કોડીનાર તાલુકાના ડોળાસા ગીરમાં આજે દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો, સતત વરસાદથી પાણીનો પ્રશ્ન હલ થયો છે પરંતુ, કૃષિપાકને નુક્શાનની ભીતિ સર્જાઈ છે. આંબેચાગીરથી અહેવાલ મૂજબ આજે વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો, તા.૨૦ના ગુરુવારે પૂષ્ય નક્ષત્ર બેસે છે અને તેનું વાહન દેડકો છે જેને વરસાદ પ્રિય હોય છે ત્યારે ગ્રામજનો મૂજબ  પુનર્વસુ નક્ષત્ર વરસાદને હાથોહાથ પૂષ્ય નક્ષત્રને સોંપે તો નવાઈ નહીં રહે. ઉપલેટા તાલુકાના ઢાંકમાં બે કલાકમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. સતત વરસાદ છતાં હવામાન ઠંડુ થતું નથી તે મુદ્દે ગ્રામ્ય અને શહેરીજનોને આશ્ચર્ય થતું હતું.


સૌરાષ્ટ્રમાં સાંજ સુધીમાં જ પ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર (જલારામ)માં ધોધમાર ત્રણ ઈંચ વરસાદથી રાધાકૃષ્ણ સોસાયટીમાં પાણી ભરાયા હતા, ગોંડલમાં ધોધમાર બે ઈંચ વરસાદ જ્યારે કાગવડ ખોડલધામ સહિત આજુબાજુ પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જુનાગઢ જિલ્લાના ઉપલેટા, માળિયા હાટીના, કેશોદમાં પણ ત્રણ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જુનાગઢ જિલ્લામાં મૌસમનો ૧૦૦ ટકા વરસાદ ચોમાસાના દોઢ માસમાં જ વરસી ગયો છે.


મોરબીમાં વરસાદી ઝાપટા વચ્ચે  સાવસર પ્લોટમાં પાર્થ કોમ્પલેક્સ એપાર્ટમેન્ટ ઉપર વિજળી પડતા વિજ ઉપકરણો સળગી ગયા હતા પરંતુ, સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નોંધાયેલ નથી. હળવદમાં આજે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. વાંકાનેરમાં પણ ઝાપટાં વરસ્યા હતા.આ ઉપરાંત માણાવદર, માંગરોળ,ગીર ગઢડા, વિસાવદર,ગારિયાધર,મુળી, ગઢડા, અમરેલી, વિંછીયા, હળવદ, ગોંડલ, લિલીયા, મહુવા, ધારી, વંથલી, જેતપુર, ભેંસાણ, કોટડાસાંગાણી, જુનાગઢ, કુતિયાણા, લોધિકા, રાણાવાવ સહિત સ્થળે એકથી દોઢ ઈંચ વરસાદ સાંજ સુધીમાં વરસ્યો હતો અને રાત્રે પણ બફારા સાથે વરસાદી માહૌલ જારી રહ્યો હતો ત્યારે મોડી રાત્રિ સુધીમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News