ઉત્તર ભારતમાં ચોમાસું જામ્યું જ નહીં, પરંતુ હવે વિનાશ વેરી રહ્યું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ સહિત પંજાબ-દિલ્હીમાં ભારે વરસાદને કારણે રસ્તા સહિત રહેવાસી વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા છે, જ્યારે નદીઓમાં ઘોડાપુરને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો શહેરો અને ગામડાઓથી વિખૂટા પડી રહ્યા છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, પરંતુ સૌથી મોટી નદીઓ ગંગા, યમુનામાં વધતા પાણીના સ્તરથી રાજ્યના નાગરિકો અને પ્રશાસનનો જીવ પડીકે બંધાઈ ગયો છે.
અત્યાર સુધીમાં અલગ અલગ હિસ્સામાં વરસાદ સંબંધિત આફતથી 20 લોકોનાં મોત થયા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ બંને રાજ્ય સિવાય વરસાદી આફત વચ્ચે એકલા દિલ્હીમાં એક દિવસમાં 150 મિલિમીટર વરસાદ પડ્યો છે, જેમાં સિઝનનો 20 ટકા વરસાદ 24 કલાકમાં પડ્યો છે. ભારે વરસાદે ભૂતકાળના ભયંકર વરસાદની યાદ અપાવી દીધી છે, જેમાં 1978 અને 2010ની યાદ અપાવી છે.
રવિવારે હરિયાણાના હથિણી કુંડ બેરેજથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે સરકારને પૂર સંબંધિત ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હી પ્રશાસને કહ્યું હતું કે યમુના નદીનું પાણીનું સ્તર ખતરાની નિશાની પાર કરી દેશે, તેથી આસપાસના રહેવાસીઓને તેના અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રવિવારે યમુના નદીના પાણીના સ્તર 203 મીટર હતું, જ્યારે જોખમી લેવલ 204.5 મીટર છે. મંગળવારે 205.33 મીટર પાર કરી દેશે, તેથી રાજધાનીમાં નીચલા વિસ્તારમાં પૂરનો પ્રકોપ ઊભો થશે, તેનાથી 37,000 લોકો પ્રભાવિત થશે.
દિલ્હી સિવાય હરિયાણામાંથી વધારે પાણી છોડવામાં આવે તો પરિસ્થિતિ વધારે વણસી શકે છે. જુલાઈ, 1982માં ભયંકર વરસાદ પડ્યો હતો, ત્યારબાદ 2003માં 24 કલાકમાં 123 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. 1978માં સૌથી ભયાનક વરસાદ પડ્યો હતો, તેનાથી આખા દિલ્હીમાં જનજીવનને અસર થઈ હતી.દિલ્હીમાં સરકારે આવતીકાલ માટે સ્કૂલમાં જાહેર રજા જાહેર કરી છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે સાંસદના ઘર સહિત અનેક રહેવાસી ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જ્યારે 43 વર્ગ કિલોમીટરનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. ખેતીવાડીને અસર થઈ હતી. 1978માં યમુના નદીના પાણીના સ્તરમાં રેકોર્ડ તૂટ્યો હતો અને તેનું કારણ હતું હરિયાણામાંથી પાણી છોડવામાં આવ્યું છે. 2 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એ જ રીતે 2010માં 207.11 મીટર અને 2013માં 207.32 મીટર પાર કર્યું હતું. 2010માં યમુના નદીમાંથી 2.26 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જ્યારે 2013માં 3.65 લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500