અમદાવાદની યુવતી સાથે એક મોટી ઠગાઇની ઘટના બની છે. ગીર સોમનાથના યુવકે પોતે કસ્ટમ વિભાગમાં ઉચ્ચ અધિકારી હોવાની ઓળખ આપી આ યુવતી સાથે લગ્ન કર્યાં હતા. જો કે લગ્નના અઠવાડિયા બાદ યુવકનો ભાંડો ફૂટતાં તે અધિકારી નહી પરંતુ બંદર પર સિક્યોરિટી ગાર્ડ હોવાનું ખૂલ્યું હતું.
વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી યુવતીના યુવક સાથે લગ્ન સમયે યુવકના પરિવારજનોએ યુવતીના પરિવારજનોને કહ્યું હતું કે યુવક કસ્ટમ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી રહ્યો છે. યુવતી અને તેના પરિવારજનો પણ તેમની વાતોમાં આવી ગયા હતા અને બંનેના લગ્ન કરાવ્યા હતા. જોકે, લગ્ન બાદ યુવતીને અઠવાડિયામાં જ ખબર પડી ગઈ હતી કે તેનો પતિ વેરાવળના બંદર ખાતે ગાર્ડની નોકરી કરે છે અને સાથે સાથે ઢોર પણ ચરાવે છે.
યુવકની નોકરી અંગે સત્ય બહાર આવવા છતાં યુવતીએ ઘરસંસાર ચાલુ રાખ્યો હતો. જો કે તેના પરિવારજનોએ યુવતી પર અસહ્ય ત્રાસ ગુજારતા હતા. સાસરિયાઓ ઘરકામ બાબતે બોલાચાલી કરીને યુવતીને પિયરમાંથી ફોન આવતા હોવાથી તેની પાસેથી ફોન પણ લઈ લીધો હતો. સતત આપવામાં આવતા ત્રાસથી કંટાળીને યુવતીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમ છતાં સાસરિયાઓના વર્તનમાં કોઈ સુધારો થયો ન હતો. થોડા સમય પછી યુવતીને તેના પતિના પરસ્ત્રી સાથે આડા સંબંધો હોવાની પણ જાણ થઇ હતી. આ અંગે જ્યારે તેણે ફરિયાદ કરી ત્યારે યુવકે તેની સાથે મારપીટ કરી હતી આથી યુવતીએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલાને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500