રાજકોટના રૈયા રોડ પર પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી છે. રાત્રે વાસણ ધોવા બાબતે પ્રેમિકાને પ્રેમી સાથે ઝઘડો થતા પ્રેમીએ ઓશિકાથી મોં પર ડૂમો આપી પ્રેમિકાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. યુનિવર્સિટી પોલીસે હત્યા કરનાર પ્રેમીની શોધખોળ શરૂ કરી છે. રાજકોટના રૈયા રોડ પર આવેલા RMC આવસ ક્વાર્ટરમાં 306 નંબરના બ્લોકમાં રહેતા ઇલાબેન ઉર્ફે કિરણ સોલંકીની હત્યા કરવામાં આવી છે. મૃતક ઇલાબેન સોલંકી અહીં તેના પ્રેમી સંજય ભારથી ગોસાઈ સાથે રહેતા હતા.
આજે સવારે ઇલાબેનની નાની બહેને ફોન કર્યો પરંતુ ફોન રિસીવ ન થતા તે ઘરે આવી હતી. ઘરે આવી જોતા ઇલાબેન બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. જેથી તેને શંકા ઉપજતા ગાંધીગ્રામ 2(યુનિવર્સિટી) પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં ઇલાબેનનો પ્રેમી સંજય ગોસાઈ ફરાર હોવાથી પોલીસને હત્યા થઈ હોવાની શંકા જતા પોલીસે ફોરેન્સિક ટીમની મદદ લીધી હતી. ફોરેન્સિક ટીમની તપાસમાં ઇલાબેનને ડૂમો આપી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. ઇલાબેનના સબંધીઓએ કહ્યું હતું કે, સંજય ગોસાઈ સાથે ઇલાબેન પ્રેમ સંબંધમાં હતા અને બન્ને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. બે મહિના પહેલાં જ બન્ને આવાસ યોજના ક્વાર્ટરમાં ભાડે રહેવા માટે આવ્યા હતા. ઇલાબેનને પ્રથમ લગ્ન બાદ એક સંતાન છે પરંતુ તે તેના માવતરે થોરાળા વિસ્તારમાં રહે છે. હત્યાની ઘટના બનતા પોલીસે સંજય ગોસાઈની શોધખોળ શરૂ કરી છે અને હત્યા અંગે ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. પ્રેમ સંબંધને કરુણ અંજામ આપનાર સંજય ગોસાઈની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
જોકે આ મામલે ACP રાધિકા ભારાઇએ કહ્યું હતું કે, ઇલા ઉર્ફે કિરણ અને સંજય બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. સંજય એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ગઈકાલે રાત્રે સંજય ઘરે આવ્યો ત્યારે બન્ને વચ્ચે વાસણ ધોવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં સંજયે પ્રેમિકા ઇલાને રૂમમાં લઈ જઈ મોં પર ઓશિકા વડે ડૂમો આપી મોત નિપજવ્યું હોવાનું તારણ છે. જોકે સંજય ગોસાઈ પોલીસ પકડથી દુર છે. પોલીસે તેને પકડવા ટિમો કામે લગાડી છે. ઇલા અને સંજય બન્ને થોડાક મહિનાઓ થી મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા. હત્યા કરવા પાછળ શું માથાકૂટ હતી તે અંગે આરોપી પોલીસ સકંજામાં આવ્યે ખબર પડશે. રાજકોટમાં ફરી એક વખત પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ સામે આવ્યો છે. જોકે પ્રેમીએ વાસણ ધોવા જેવી સામાન્ય બાબતમાં પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ કારણ પોલીસને ગળે ઉતરતું નથી. પરંતુ આરોપી સંજય પોલીસ સકંજામાં આવ્યા બાદ શું કારણ હતું તે સ્પષ્ટ થશે. પોલીસ તપાસમાં હત્યા પાછળ સામાન્ય બોલચાલી જ કારણભૂત છે કે પછી કોઈ અનૈતિક સંબંધો છે તે આગામી સમયમાં જ સામે આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500