ભારતમાં એકમાત્ર ફક્ત ડાંગ જિલ્લાને રાજકીય પોલિટિકલ પેંશન આપવામાં આવે છે. અંગ્રેજોના સમયકાળથી ચાલી આવતી આ પ્રથા આજે પણ અકબંધ છે. હોળી તહેવારનાં પાંચ દિવસ અગાઉ ડાંગનાં મુખ્ય મથક આહવા ખાતે પાંચ રાજાઓ તેમનાં ભાઈબંધને બોલાવી પોલિટિકલ પેંશન એનાયત કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાં કાળની પરિસ્થિતિનાં કારણે કલેક્ટર કચેરીમાં બંધ બારણે આ કાર્યક્રમ યોજવાનો છે. ત્યારે ડાંગનાં પાંચે રાજાઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેઓની માંગ છે કે સોસીયલ ડિસ્ટનસિંગ સાથે જાહેરમાં રાજ્યના બંધારણીય વડા દ્વારા તેઓનું સન્માન કરવામાં આવે જો જાહેરમાં સન્માન નહીં કરવામાં આવે તો રાજાઓ આમરણ ઉપવાસ તેમજ ડાંગ દરબારનાં બહિષ્કારની ચીમકી આપી છે.
ડાંગનાં રાજાઓને મુખ્ય માર્ગ આહવામાંથી બગીઓમાં બેસાડીને દરબારની ચોક્કસ જગ્યાએ રાજયપાલનાં હસ્તે પોલિટિકલ પેંશન એનાયત કરવામાં આવે છે. પરંતુ ગત વર્ષે રાજ્યપાલ વિદેશ પ્રવાસમાં હોઈ આરોગ્ય મંત્રી કિશોર કાનાંણીનાં હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બાબતે પણ રાજાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસ અગાઉ રાજ્યપાલ ડાંગ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે વાસુરણા સ્ટેટનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા રાજ્યપાલને અરજ ગુજરવામાં આવી હતી કે રાજ્યપાલ દ્વારા જે રાજાઓનું સન્માન કરવામાં આવે છે તે પરંપરા જળવાઈ રહે અને રાજાઓને યોગ્ય ભથ્થામાં પોલિટિકલ પેંશન આપવામાં આવે. ડાંગ જિલ્લાનાં પાંચ રાજાઓ દ્વારા ભેગાં થઈ મીટીંગ યોજવામાં આવી હતી જેમાં તેઓ જણાવે છે કે નેતાઓના મોટા મેલાવડા થાય છે તેઓની રેલીઓને છુટ મળે છે.
ત્યારે ઐતિહાસિક ડાંગ દરબારની પરંપરાને કેમ તોડવામાં આવી રહી છે. રાજાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોરોનાં કાળની પરિસ્થિતિ છે પરંતુ સોસીયલ ડિસ્ટનસિંગ સાથે મર્યાદિત લોકો સામે જાહેરમાં રાજયપાલનાં હસ્તે તેઓનું સન્માન થાય તેમજ તેઓનાં શાલિયાણામાં વધારો કરવામાં આવે. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ડાંગ દરબાર ઐતિહાસિક મેળો યોજાય છે જ્યાં દર વર્ષે ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન તેમજ દેશ વિદેશનાં પાંચ લાખ લોકો મેળાની મુલાકાતે આવે છે. હાલ કોરોનાં કાળમાં ગુજરાત સરકાર દ્વારા તમામ મેળાઓ બંધ જાહેર કર્યા છે. ત્યારે પાંચ રાજાઓને સાદાઈ પૂર્વક કાર્યક્રમ યોજીને તેઓનું સન્માન કરવામાં આવશે.
હાલ કોરોનાં સંક્રમણનો ફેલાવો થયો હોવાનાં કારણે તંત્ર સજાગ છે તેમજ પોલીસ દ્વારા જિલ્લાની તમામ બોર્ડર ઉપર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વસુરણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી એ માંગ કરી છે કે ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓને 1842થી ચાલું થયેલ ડાંગ દરબારની પરંપરા જળવાઈ રહેવી જોઈએ જેમાં હાલ કોરોનાંની કપરી પરિસ્થિતિ છે ત્યારે ડાંગ દરબાર હોલ અથવા જાહેરમાં મંડપ પાડીને ડાંગનાં પાંચ રાજાઓ, 9 નાયકો, અને 664 ભાઈબંધોને બોલાવી તેઓનું સન્માન કરવામાં આવે અને આ પરંપરાને જાળવી રાખવામાં આવે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ડાંગ દરબાર યોજવા બાબતે તેઓ ફેક્સ દ્વારા રાજયપાલને જાણ કરશે અને જો તેઓની માંગ પુરી કરવામાં નહિ આવે તો તેઓ આમરણ ઉપવાસ ઉપર ઉતરી જશે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500