Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીના ગણેશસિસોદ્રા ખાતે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર : સદીઓ જૂના વડના થડમાં શ્રીગણેશજી પ્રતિકૃતિ રૂપે છે

  • September 21, 2023 

ગણપતિ બાપા મોરીયાના જય જયકાર વચ્ચે ગણેશ ઉત્સવની ઉમંગભેર ઉત્સાહથી ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઇ રહી છે ત્યારે નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર પણ ભાવિ ભકતો માટે ખૂબ જ મહાત્મ્ય અને શ્રધ્ધાનું કેન્દ્ર ગણાંય છે. આ મંદિર આમ તો સદીઓ જૂના વડના થડમાં શ્રી ગણેશજી પ્રતિકૃતિ રૂપે છે. આ પ્રતિકૃતિને લોકો ખૂબ જ શ્રધ્ધા અને વિશ્વાસથી પૂજા-અર્ચના કરે છે. વિશેષતઃ ગણેશ ઉત્સવ દરમિયાન આ ગણેશવડનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી જાય છે.



આ ગણેશવડ નવસારીથી આશરે સાતેક કિલોમીટર દૂર મહુવા રોડ ઉપર આવેલું છે. ઇતિહાસના પાને અને લોકવાયકા પ્રમાણે, જયારે મોગલ સમ્રાટ ઔરંગઝેબે ગણેશવડ મંદિરનો નાશ કરવા માટે સિપાહીઓને મોકલ્યા હતાં, ત્યારે ગણેશવડમાંથી ઝેરી ભમરાઓ નીકળીને સિપાહીઓને કરડતાં ડરના માર્યા સિપાહીઓ ભાગી ગયા હતાં. આ વાતની જાણ મોગલ સમ્રાટને થતા તેણે મંદિરના નાશ કરવાનો વિચાર પડતો મૂકયો હતો.



તેઓને શ્રીગણપતિજી સાક્ષાત બિરાજમાન છે તેવો અનુભવ પ્રાપ્ત થયો હતો. ગણેશવડ ખાતે આજે પણ મંદિરની સ્થાપનામાં અને તેની તરફેણમાં રસ લઇ કરેલા હુકમોની બાદશાહની હસ્તલિખિત ઉર્દુ ફારસીની પ્રતો આજે પણ આ મંદિરમાં સચવાયેલી છે અને મંદિર સામે સદીઓ પુરાણો ગણેશવડ હજીપણ અડીખમ ઉભો છે. ગણેશવડની બાજુમાં શિવ-પાર્વતી અને શ્રીગણેશજીનું આધુનિક મંદિર પણ છે. ગણેશચતુર્થીના ઉત્સવ દરમિયાન નવસારી તેમજ આજુબાજુના ભાવિક ભકતો મોટી સંખ્યામાં દર્શાનાર્થે આવે છે. અહી આવતા શ્રધ્ધાળુઓની મનોકામના શ્રીગણેશજી પૂરી કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application