જન્મદિવસની ઉજવણી સ્વાભાવિકપણે પરિવાર, મિત્રો સાથે એકઠા થઈ કેક કાપીને કરવામાં આવતી હોય છે, ત્યારે આજે તા.૧૭મી ઓગસ્ટના રોજ પોતાના જન્મદિને નવી સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડો.નિમેષ વર્માએ પ્લાઝમા ડોનેટ કરી જન્મદિવસની પ્રેરક અને અનોખી ઉજવણી કરી હતી.
૫૩ વર્ષીય ડો.નિમેષ વર્મા નવી સિવિલની ડેડીકેટેડ ૧૦૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું હેલ્થ મેનેજમેન્ટ અને કોવિડ વોર્ડમાં આરોગ્યલક્ષી વ્યવસ્થા પણ સુપેરે સંભાળી રહ્યાં છે. સ્વસ્થ થયાં બાદ પુન: આ જવાબદારી સંભાળી લીધી છે. તેઓ તા. ૧૦મી જુલાઈના રોજ ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયાં હતાં. નવી સિવિલના તબીબોની સલાહ મુજબ ૧૦ દિવસ હોમ આઇસોલેશનમાં રહી કોરોનાને મ્હાત આપી તા.૨૦મી જુલાઈએ સંપૂર્ણ સ્વસ્થ થયાં હતા. સ્વસ્થ થયા બાદ તેમણે તા.૧૭મી ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ આવતો હોવાથી તેમણે જન્મદિને જ પ્લાઝમા દાન કરી બે દર્દીઓના જીવન બચાવવામાં નિમિત્ત બનવાનો સંકલ્પ કર્યો હતો.
ડો.નિમેષ વર્માએ જણાવ્યું હતું કે, હું નવી સિવિલની બ્લડ બેંકનો નિયમિત બ્લડ ડોનર પણ છું. ૨૦ જેટલી વાર રક્તદાન કરી ચૂક્યો છું. સિવિલના સર્જરી વિભાગમાં ઘણી વાર દર્દીનું ઓપરેશન કરવાનું હોય અને તેને રક્તની જરૂરીયાત ઊભી થાય ત્યારે હું પહેલાં રક્તદાન કરી પછી દર્દીની સર્જરી કરૂ છું. આજે કોરોના સંકટ વચ્ચે પ્લાઝમા દાનની પણ તક મળી, ત્યારે મને ગર્વ છે કે હું પણ કોઈ બે દર્દીઓના જીવન બચાવવામાં નિમિત્ત બની શકીશ.
ડો.વર્માએ વધુમાં જણાવ્યું કે, મને શ્વાસ લેવામાં કે બીજી કોઈ શારીરિક તકલીફ ન જણાતા હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી હતી. કોરોનામુક્ત થયાં બાદ ૨૮ દિવસ પછી પ્લાઝમા આપી શકાય છે. જેથી મેં કોરોનામુક્ત થયાં બાદ ૨૮ દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો હતો, જોગાનુજોગ તા.૧૭મી ઓગસ્ટના રોજ મારો જન્મ દિવસ હોવાથી જન્મદિવસને કોઈ ક્રિટીકલ દર્દીની જિંદગી બચાવવા અને જન્મદિનને યાદગાર બનાવવા પ્લાઝમા ડોનેટ કર્યા છે.
પ્લાઝમા ડોનેશન માટે સુરતના કોરોનામુક્ત લોકો જાગૃત્ત બની મોટી સંખ્યામાં પ્લાઝમા દાન આપી રહ્યાં છે. નવી સિવિલ બ્લડ બેંકનાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. મયુરભાઇ જરગ, ડો.જિતેન્દ્રભાઇ પટેલ, ડો. સંગીતાબેન વાધવાણી, કાજલબેન પરમહંસ, શ્રી અંજનીબેન સુરતી પ્લાઝમા ડોનેશન માટે કાઉન્સેલિંગ કરી કરી રહ્યાં છે. જેથી વધુમાં વધુ કોરોનામુક્ત લોકો પ્લાઝમા દાન માટે જાગૃત્ત બની આગળ આવે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500