સુરતમાં સરોલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પર ગંભીર આરોપ લાગ્યો છે. હેડ કોન્સ્ટેબલ પર આક્ષેપ છે કે તેણે દરોડામાં પકડાયેલા દારૂનો જથ્થો પોતાના જ માણસને આપ્યો હતો. હેડ કોન્સ્ટેબલ અનિલ મોરી સામે આ આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે હવે સુરત ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ,શહેરના સરોલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અનિલ મોરીએ દરોડા દરમિયાન પકડાયેલા દારૂના જથ્થા અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે પોતાના જ માણસને આ દારૂનો જથ્થો બારોબાર સુપ્રત કર્યો હોવાનો આરોપ છે. સરથાણા પોલીસે રેડ કરી રૂ.60 હજારનો દારૂનો જથ્થો પકડી પાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
સુરત ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાઈ
આ મામલે હવે સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે સરોલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અનિલ મોરી દ્વારા કાંડ કર્યો હોવાનો આરોપ થતા હવે આ મામલે આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં દારૂની હેરાફેરી અને વેચાણની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. પોલીસ દ્વારા બુટલેગરોની ધરપકડ કરવામાં આવતા છતાં બુટલેગરો કોઈ પણ ડર વિના દારૂનો ધંધો કરવા સક્રિય થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500