ચાલુ નાણાંકીય વર્ષમાં માઇનિંગ, મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરના સારા દેખાવને પગલે ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર 7.3 ટકા રહી શકે છે તેમ સરકારે અંદાજ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત નાણાંકીય વર્ષ એટલે કે 2022-23માં ભારતનો જીડીપી 7.2 ટકા રહ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)એ રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજ જારી કરતા જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2023-24માં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનું ઉત્પાદન ગત નાણાંકીય વર્ષના 1.3 ટકાની સરખામણીમાં વધીને 6.5 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
આ જ રીતે ચાલુ નાણાંકીય વર્ષમાં માઇનિંગ સેક્ટરનું ઉત્પાદન 8.1 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે જે 2022-23માં 4.1 ટકા હતું. નાણાંકીય સેવાઓ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સેવાઓનો વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષમાં 8.9 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જે 2022-23માં 7.1 ટકા હતું. એનએસઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 2011-12ની સ્થિર કીંમતો પર વાસ્તવિક જીડીપી 2023-24માં 171.79 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. જે 2022-23માં 160.06 લાખ કરોડ રૂપિયા હતું. એનએસઓનો આ અંદાજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના અંદાજ કરતા વધારે છે. આરબીઆઇએ ગયા મહિનાની દ્વિ માસિક નાણાંકીય નીતિની સમીક્ષામાં 2023-24 માટે દેશની જીડીપી વૃદ્ધિનો દર સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. વર્તમાન અંદાજ મુજબ 2023-24માં ભારતીય અર્થતંત્રનું કદ 3.57 ટ્રિલિયન ડોલર રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500