ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલાં મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. એમાં સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં મકાનધારકોને રાહત આપવાનો નિર્ણય લીધો છે. હવે મકાનધારકોએ ટ્રાન્સફર ફી વન ટાઇમ ભરવાની રહેશે તેમજ દસ્તાવેજની લેટ ફી પણ વન ટાઇમ કરી છે. ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. ઉપરાંત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં ટ્રાન્સફર ફીના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફરદીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે.
ફ્લેટ પ્રકારનાં મકાનો માટે અનઅધિકૃત બાંધકામની વપરાશ ફી હાલ જંત્રીના દરે વસૂલવામાં આવે છે. આના પરિણામસ્વરૂપે મકાનધારકો એ ફી ભરી શકતા ન હતા. ભૂપેન્દ્ર પટેલે હવે ઉદાર અભિગમ અપનાવીને એવું નક્કી કર્યું છે કે જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે, એટલે કે 25 ચોરસ મીટર સુધીના અનઅધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે EWSમાં રૂ.10 હજાર, LIGમાં રૂ. 20 હજાર, MIGમાં રૂ. 30 હજાર અને HIGમાં રૂ. 30 હજાર પ્રમાણે લેવાશે. આ ઉપરાંત 25 ચોરસમીટર કરતાં વધારે અનઅધિકૃત બાંધકામ વપરાશની ફી પણ જંત્રી દરને બદલે EWSમાં રૂ. 20 હજાર, LIGમાં રૂ. 40 હજાર, MIGમાં રૂ. 60 હજાર અને HIGમાં રૂ. 1 લાખ 20 હજાર પ્રમાણે નિયત કરી દેવાશે.
ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં ભાડા ખરીદ સમય પૂરો થાય કે મકાનની 100 ટકા રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂ. 1 હજારના સ્થાને વન ટાઈમ વસૂલાત EWS માટે રૂ. 2 હજાર, LIG માટે રૂ. 4 હજાર, MIG માટે રૂ. 6 હજાર અને HIG માટે રૂ. 10 હજાર કરવાનો નિર્ણય પણ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસધારકોના વિશાળ હિતમાં તેમને આર્થિક રાહત સાથે ફી ભરવામાં સરળતા આપતા આ નિર્ણયો કર્યા છે. આવા જન હિતકારી નિર્ણયને કારણે જૂના અને જર્જરિત મકાનોના રિડેવલપમેન્ટની પ્રક્રિયા સુગમ અને ઝડપથી થવાને કારણે ઈઝ ઓફ લિવિંગ વધશે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર, હાઉસિંગ કમિશનર સંદીપ વસાવા તેમજ સચિવ આર.જી. ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કો-ઓપરેટિવ સોસાયટીઓ દ્વારા નવું મકાન ખરીદનાર પાસેથી ટ્રાન્સફર ફી વસૂલવામાં આવે છે.
હાલના કાયદામાં કેટલી ટ્રાન્સફર ફી વસૂલી શકાય એ અંગે કોઈ ચોક્કસ નિયમ નથી. જોકે હવે સોસાયટીઓ દ્વારા વધુમાં વધુ કેટલી ટ્રાન્સફર ફી વસૂલી શકાશે એ અંગે ટૂંક સમયમાં સ્પષ્ટતા થશે. ગુરુવારે ટ્રાન્સફર અંગેના નિયમો નક્કી કરવા માટે સરકારને સત્તા આપતા સુધારેલા બિલને ગુરુવારે વિધાનસભાએ મંજૂરી આપી હતી. રાજ્ય વિધાનસભામાં રાજ્યની તમામ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ સહિત રાજ્યની તમામ 87 હજાર સહકારી મંડળીઓને લાગુ પડતા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-1961માં સુધારો કરતું બિલ સહકાર રાજ્ય મંત્રી જગદીશ પંચાલે સર્વાનુમતે પસાર કરાવ્યું છે.
આ બિલ ગુજરાતની 30 હજાર હાઉસિંગ સોસાયટીઓને સ્પર્શે છે, કારણ કે હાઉસિંગ સોસાયટીઓમાં મકાનનું વેચાણ થતાં એ મકાન લેનારી વ્યક્તિને જે-તે સોસાયટીને ટ્રાન્સફર ફી ભરવાની થાય છે. આ ટ્રાન્સફર ફી નક્કી કરવાના કોઈ પેરામીટર હતા નહીં, જે પેરામીટર હવે આગામી 6 મહિનામાં રાજ્ય સરકાર નક્કી કરશે અને એના આધારે હવે હાઉસિંગ સોસાયટીઓ ટ્રાન્સફર ફી નક્કી કરી શકશે. સહકારી મંડળીઓ પૈકી ત્રીજા ભાગની, એટલે કે 30 હજાર હાઉસિંગ સોસાયટી છે. રાજ્યમાં 214 જેટલી નાગરિક શહેરી સહકારી બેન્ક,10 હજારથી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી(PACS),6 હજારથી વધુ ક્રેડિટ સોસાયટીઓ અને 16 હજારથી વધુ દૂધ મંડળીઓ છે. હાઉસિંગ સિવાયની સોસાયટીઓમાં સહકારી મંડળીઓ ડૂબત લેણાં ફંડ રાખવું પડશે. કોઈપણ સહકારી મંડળી ફડચામાં જાય ત્યારે કોને પહેલા લેણાં ચૂકવવા એ અત્યાર સુધી ફડચા અધિકારી નક્કી કરતા હતા, એ અગ્રતા હવે સરકાર નક્કી કરશે. આવી મંડળીઓને મુદત અંગેનો નિર્ણય પણ રાજ્ય સરકાર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application