રાજસ્થાનના અલવર જિલ્લામાં રહેતી અંજુ નામની યુવતી તેના પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચી ગઈ હતી. પતિ અને બે સંતાનોને છોડીને પાકિસ્તાની પ્રેમી સુધી પહોંચવાનો મામલો હજુ થાળે પડ્યો ન હતો કે રાજસ્થાનમાં અંજુ જેવી વધુ એક કહાની સામે આવી છે. શુક્રવાર 28 જુલાઈના રોજ બપોરે સીકરની એક યુવતી જયપુર એરપોર્ટ પર પહોંચી હતી. તેણે એરપોર્ટના ટિકિટ કાઉન્ટર પરથી લાહોરની ટિકિટ માંગી. આશ્ચર્યની વાત એ છે કે સગીર યુવતી પાસે પાસપોર્ટ, વિઝા અને અન્ય કોઈ દસ્તાવેજો નહોતા. આમ છતાં તે પાકિસ્તાન જવાનો પ્રયાસ કરી રહી હતી.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ બપોરે 2 વાગ્યે એક છોકરી બે છોકરાઓ સાથે એરપોર્ટ પહોંચી હતી અને તેણે પાકિસ્તાનની ટિકિટ માંગી હતી. એરપોર્ટ સ્ટાફે પહેલા વિચાર્યું કે આ મજાક છે, પરંતુ પછી યુવતીએ તેમને કહ્યું કે તે પાકિસ્તાની છે અને ત્રણેક વર્ષ પહેલા તેની કાકી સાથે ભારત આવી હતી. તે લાહોરની પાસે ઇસ્લામાબાદમાં રહે છે. જોકે, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવતી સીકરના શ્રીમાધોપુરની રહેવાસી છે. લગભગ એક વર્ષ પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર લાહોરના એક યુવક અસલમ લાહોરી સાથે મિત્રતા કરી હતી. અસલમે જ યુવતીને ફસાવી હતી અને એરપોર્ટ પર તેને શું બોલવું તે શીખવ્યું હતું. સગીરા અસલમને મળવા પાકિસ્તાન જઇ રહી હતી. તેને મળવા માટે તેણે બુરખો પણ ખરીદ્યો હતો.યુવતીનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. યુવતીનો મોબાઈલ ચેક કરવામાં આવશે. યુવતીના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. તેમને એ પણ ખબર નથી કે તેમની છોકરી કોઈ છોકરાને મળવા પાકિસ્તાન જઈ રહી છે.
પોલીસનું કહેવું છે કે આ હનીટ્રેપનો મામલો લાગે છે. આરોપી દ્વારા યુવતીનું બ્રેઈન વોશ કરવામાં આવ્યું હતું. યુવતીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેના અન્ય મિત્રો પણ અસલમ લાહોરી સાથે ઈન્સ્ટાગ્રામ પર વાત કરે છે. આવી સ્થિતિમાં પોલીસ યુવતીના મોબાઈલ ફોન પરથી અસલમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરી રહી છે. તે ભારતમાં કેટલી છોકરીઓના સંપર્કમાં હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500