મધ્યપ્રદેશનાં પન્ના ટાઈગર રિઝર્વમાં એક વાઘ મૃત હાલતમાં મળી આવ્યો છે. જોકે વાઘની ઉંમર 3થી 4 મહિના હોવાનું કહેવાય છે. વાઘનું મૃત્યુ પરસ્પરની લડાઈમાં થયું હોવાની શંકા છે. કોઇ પણ વાઘનું સરેરાશ આયુષ્ય 12થી 18 વર્ષનું હોય છે. વન અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી. આ વિસ્તારમાં કોઈ બાહ્ય ઘૂસણ ખોરીનાં કોઈ ચિહ્નો મળ્યા નથી અને ન તો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ મળી આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે,વન વિભાગની એક પેટ્રોલિંગ કરી રહેલા દળને અભયારણ્યના અકોલા બફર વિસ્તારમાં 3-4 મહિનાની વયના વાઘ T-7નો મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય વાઘ સાથે પ્રાદેશિક સર્વોપરિતાની લડાઈમાં T-7 વાઘે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે.
અધિકારીએ કહ્યું કે, 'આ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ મળી નથી. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ, પ્રાણીના શબનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટાઇગર સ્ટેટ કહેવાતા મધ્યપ્રદેશમાં આ ઘટનાથી વન વિભાગ ચિંતિત છે. મધ્યપ્રદેશમાં કાન્હા, બાંધવગઢ, પેંચ, સતપુરા અને પન્ના સહિત ઘણા વાઘ અનામત છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, મધ્યપ્રદેશે વર્ષ 2022માં 34 વાઘ ગુમાવ્યા હતા. NTCA અનુસાર, ગયા વર્ષે ભારતમાં કુલ 117 વાઘ મૃત્યુ પામ્યા હતા. સૌથી વધુ વાઘના મૃત્યુ મધ્યપ્રદેશમાં થયા છે.
જયારે વાઘની ગણતરી દર ચાર વર્ષે થાય છે. જો આપણે મધ્ય પ્રદેશમાં વાઘના આંકડા પર નજર કરીએ તો 2018માં 526 વાઘ હતા. 2021માં 42 વાઘનાં મોત થયા હતા. આ પછી વાઘના મૃત્યુની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ 10 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો 270 વાઘનાં જીવ ગયા છે. આમાંથી મોટાભાગનાં મોત બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં થયા છે. 2022માં મધ્યપ્રદેશને ટાઇગર સ્ટેટનો દરજ્જો મળ્યો હતો અને આ વર્ષે પણ આ દરજ્જો જાળવી રાખવા માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાઘના મૃત્યુએ ફરી એકવાર ચિંતા વધારી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500