કુકરમુંડા તાલુકામાંથી વન્યપ્રાણી પાંજરે પુરાવાની ઘટના ચાલુ જ છે. ત્યારે શુક્રવારે ગાડીત ગામમાં મુકેલ પાંજરામાં પાંચ વર્ષીય દીપડો પુરાતા લોકોએ રાહત અનુભવી હતી. કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગૃપ ગ્રામપંચાયતમાં આવતા નવા ગાડીત ગામનો વિસ્તાર લીલોછમ તેમજ વન્યપ્રાણીઓને રહેણાંક મળી રહે તેવો છે, વિતેલા દિવસોમાં ખેડૂતો, ખેતમજૂરો તેમજ અવરજવર કરતા લોકોને ખૂંખાર દીપડો અવારનવાર જોવા મળતો હતો.
દીપડાને લઈને સમગ્ર વિસ્તારમાં ભય છવાયો હતો, ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા ગામમાં દીપડાને ઝબ્બે કરવા પાંજરાની ગોઠવણ કરવામાં આવી હતી. દીપડાને લલચાવવા બકરાનું મારણ મુકતા જેના શિકાર માટે રાત્રીએ આવેલો દીપડો પાંજરામાં કેદ થયો હતો. સામાજિક વનિકરણ ઉચ્છલ-કુકરમુંડાના રેંજના આર.એફ.ઓ.એ જણાવ્યું હતું કે, ખૂંખાર દીપડો ગામની અને રોડની નજીક આવેલા શેરડીના ખેતરોમાં આંટા-ફેરા મારતો હતો. જેને પકડવા પાંજરાની ગોઠવણ કરી હતી. આખરે ૪ થી ૫ વર્ષનો દીપડો પાંજરે પુરાયો છે જેના સ્વાસ્થ્યની તપાસ કરાવી, માઈક્રોચીપ મુકી નાયબ વન સંરક્ષકની સુચના મુજબ જંગલમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500