આઝાદીના અમૃત કાળમાં યોગ્ય માન સન્માન અને ઓળખથી વંચિત રહી ગયેલા છુપા રત્નો, આઝાદીના લડવૈયા અને સ્વતંત્રતા સંગ્રામમાં યથાયોગ્ય યોગદાન આપનારા 'હીરો' ને ઓળખી તેમનું ગૌરવગાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ડાંગ જિલ્લાના પણ આવા જ ત્રણ સ્વતંત્રતા સંગ્રામના બાળ લડવૈયાઓના પરિવારજનોનું રાજ્ય સરકાર વતી યથોચિત સન્માન કરાયું હતું. ડાંગ જિલ્લા રમતગમત કચેરી દ્વારા ડાંગની 'બંધુ ત્રિપુટી'ના નામે ઓળખાતા સ્વ.શ્રી છોટુભાઈ ગુલાબભાઈ નાયક, સ્વ.શ્રી ઘેલુભાઈ ગુલાબભાઈ નાયક, અને સ્વ.શ્રી ધીરુભાઈ ગુલાબભાઈ નાયકના પુત્રો અનુક્રમે શ્રી દેવેન્દ્રભાઈ છોટુભાઈ નાયક, શ્રી કિર્તિકુમાર ઘેલુભાઈ નાયક, અને શ્રી વનરાજભાઈ ધીરુભાઈ નાયકનું શાલ, પુષ્પગુચ્છ, અને મોમેન્ટો આપી અભિવાદન કરાયું હતું.
સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસથી નવી પેઢી અવગત થાય તેવા શુભાશય સાથે આરંભાયેલા 'આઝાદીના અમૃત મહોત્સવ'ની સને ૧૨મી માર્ચ-૨૦૨૧થી શરૂ થયેલી ઉજવણી, આવા કાર્યક્રમો થકી સાચા અર્થમાં સાર્થક થઈ રહી છે તેમ, નવી પેઢીની આ બંધુ ત્રિપુટીએ એક સુરે સરકારશ્રી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા જણાવ્યુ હતું. ભારતના અમૃત કાળમાં યોજાઇ રહેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોથી ભારતની ભાવિ પેઢીના ઘડતરનું કાર્ય થઈ રહ્યું છે, તેમ જણાવતા જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે એક સમયના અંધારિયા મૂલકમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર સંસ્થાના પ્રયાસોની પણ સરાહના કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500