સુરતના વેસુ વીઆઇપી રોડના શ્રીનાથ કાર્સ પ્રા.લિ.નો એક્સેચેન્જ મેનેજરે ગ્રાહકો પાસેથી જૂની કાર ખરીદી નવા કારની ડિલીવરી આપ્યા બાદ તેનું રૂ.86 લાખનું પેમેન્ટ કંપનીમાં જમા કરાવવાના બદલે પોતાના ખિસ્સામાં સેરવી લઇ ફોન બંધ કરી ભુગર્ભમાં ઉતરી જતા મામલો અલથાણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ સુરતના વેસુ વીઆઇપી રોડ સ્થિત મનભરી ફાર્મસ નજીક આવેલા શ્રીનાથ કાર્સ પ્રા. લિ. ના એકાઉન્ટન્ટ મનોજ ગજરાજ શર્મા (ઉ.વ. 34 રહે. મોર્ડન રેજેન્સી, શ્યામ સંગિની માર્કેટની પાછળ, સારોલી) એ કંપનીમાં એક્સચેન્જ મેનેજર તરીકે નોકરી કરતા રાજન ચંદ્રકાંત પટેલ (રહે. સુમેરૂ રેસીડન્સી, આગમ શોપીર્ગ વર્લ્ડની પાસે, વેસુ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે શ્રીનાથ કાર્સ પ્રા. લિ. માં જૂની ગાડી લઇ તેની કિંમત મજરે આપી નવી ગાડી આપવામાં આવે છે અને કંપનીના સીઇઓ મિતેષ કાનબાર દ્વારા કંપનીના કોઇ પણ વ્યવહાર પોતાની જાણમાં અને ઉધાર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. તેમ છતા કંપનીના એક્સચેન્જ મેનેજર રાજન પટેલે સીઇઓની ભલામણથી કંપનીમાં રોકડ જમા કરાવ્યા વગર ગાડી લે-વેચના વ્યવહાર કર્યા હતા. જે અંતર્ગત ઓકટોબર 2023 સુધીમાં રૂ. 38.19 લાખ રાજન પટેલે એક વીકમાં કંપનીમાં જમા કરાવવાના હતા.
પરંતુ જમા કરાવ્યા ન હતા અને ત્યાર બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ ગાડી લે-વેચના વ્યવહાર કર્યા હતા જે મુજબ કુલ રૂ. 86 લાખ કંપનીમાં જમા કરાવવાના હતા અને દિવાળી બાદ પેમેન્ટ જમા કરાવવાનો વાયદો કર્યો હતો. જો કે ત્યાર બાદ રાજને કંપનીના લેપટોપનો તમામ ડેટા ડિલીટ કરવાની સાથે નોકરી છોડી દીધી હતી અને ફોન બંધ કરી દીધા હતા. જેથી તેના ઘરે તપાસ કરતા તે ભુગર્ભમાં ઉતરી ગયો હતો અને માર્કેટમાં તપાસ કરતા કંપનીમાંથી જૂની કાર ખરીદનાર પાસેથી તમામ પેમેન્ટ રાજને લઇ લીધું હતું પરંતુ કંપનીમાં જમા કરાવ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500