સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરીયાત મંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેવા ઉમદા હેતું થી સમગ્ર રાજ્યમાં આઠમાં તબક્કાના સેવાસેતુંના કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ વ્યારા તાલુકાના રાણીઆંબા ખાતે જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષસ્થાને ખાતે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએ સેવાસેતુના કાર્યક્રમો યોજાયા હતા.આઠમા તબક્કાના સેવા સેતુમાં વહીવટીતંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓને આવરી લેવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી એચ.કે. વઢવાણીયાએ જણાવ્યુ હતું કે, સરકાર પ્રજાના દ્વારે અભિગમ સાથે સેવાસેતુના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. ત્યારે નાગરિકોએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઇએ. તેમણે વિવિધ યોજનાઓ વિશે ચર્ચાઓ કરી, યોજનાના લાભો અંગે જાણકારી આપી હતી. વધુમાં “International Day of Older Persons”/“આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ”ની ઉજવણી કરવામા આવી હતી જેમા ચુંટ્ણીપંચ દ્વારા ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં જે 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને જિલ્લા કલેકટરશ્રી એચ.કે. વઢવાણીયાના હસ્તે શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વ્યારા તાલુકાના મામલતદારશ્રી એચ.જી.સોલંકીએ જણાવ્યું હતુ કે આજે રાણીઆંબા ખાતે લાભાર્થીઓને સ્થળ ઉપર 13 વિભાગના દ્વારા વિવિધ 56 જેટલી સેવાનો લાભ આપ્યો છે. લોકોને અંતરિયાળ વિસ્તારમાંથી મુખ્ય મથક સુધી જવુ ના પડે, છેવાડાના લોકોને ઘર આંગણે લાભ મળી રહે કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વ્યારા તાલુકાના રાણીઆંબાના લાભાર્થી ગામીત દિવ્યેશભાઇ જણાવે છે કે આજે અમારા ગામના ઘર આંગણે આઠમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ થઈ રહ્યો છે. આજે મેં આયુષ્યમાન કાર્ડ માટે અરજી કરી હતી જે મારા ઘર આંગણે મને આજે કાર્ડ મળી ગયો છે. જે બદલ હુ સરકારશ્રીનો ખુભ ખુબ આભાર માનું છું.
ઉપરાંત ધરેલુ વિજ જોડાણ માટે અરજી કરાવવા આવેલ મીરપુરના રહેવાસી દાનિયલભાઇ ગામીત સરકારશ્રી અને દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ.નો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે આજે મારું ઘણુ મોટુ કામ ઘર આંગણે થઇ ગયું છે. મને ધરેલુ વિજ જોડાણમાં મીટર કનેક્શનની અરજી કરવા માટે કચેરીએ જવાની જરૂર પડી નથી. આજે રાણીઆંબા ખાતે જે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ત્યાં આવીને મારી અરજી કરી તો તાત્કાલીક પણે મારી અરજી સ્વિકારી લેવામાં આવી હતી. મારો સમય તેમજ પૈસાની બચત થઈ છે જે બદ્લ હું સરકારશ્રી તેમજ જિલ્લા વહિવટી તત્રનું આભાર માનું છુ. આ પ્રસંગે સેવા સેતુના કાર્યક્રમમાં આધારકાર્ડ, PMAJY, જન્મ-મરણ દાખલા, રાશન કાર્ડમાં નામ, આવકના દાખલા, વિધવા સહાય, અટલ પેન્શન,ઘરેલુ નવા વિજ જોડાણ, જાતિ પ્રમાણપત્ર, ૭/૧૨,૮-અ ના પ્રમાણપત્રો, રાષ્ટ્રીય વૃદ્વ પેંશન વગેરે જેવા લાભાર્થીઓ સહિત આરોગ્ય તેમજ પશુપાલન વિભાગની અરજીઓ મળી કુલ ૨૭૭૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવાસેતુના કાર્યક્રમોમાં આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટીક વાનગી નિદર્શન કરવામાં આવી હતી. તથા આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણી-2022ને ધ્યાનમાં રાખી તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત જુદા જુદા પ્રકારની જનજાગૃતિ અર્થેની પ્રવૃતિ કરવામાં આવી રહી છે ત્યારે આજે સેવાસેતુ કાર્યક્રમના સ્થળ પર ઇ.વી.એમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્ર નિર્માણ કરી મોકપોલ ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ લાભાર્થીઓને વિવિધ યોજનાના સહાય પત્રો અને પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વ્યારા નાયબ મામલતદારશ્રી, વિવિધ યોજનાના સંબંધિત અધિકારીશ્રીઓ, ગ્રામજનો, સરપંચશ્રીઓ,તલાટીશ્રીઓ, તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500