ગાંધીનગરનાં ભાટ કનોરીયા હોસ્પિટલ તરફ જતા સર્વિસ રોડ પરથી અમેઝોનનાં પાર્સલ ભરેલ કન્ટેનરમાંથી અડાલજ પોલીસને મળેલ બાતમીનાં આધારે રૂપિયા 1.68 લાખની કિંમતનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અડાલજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાટ કોટેશ્ર્વર ચોકડીથી કનોરીયા હોસ્પીટલ જતા સર્વીસ રોડ ઉપર પાર્ક કરેલા કન્ટેનરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલો છે. જેનાં પગલે બંધ બોડી આઇસર કન્ટેનર પાસે પહોંચી ગઈ હતી.
જ્યાં ગાડીના કેબીનમાંથી ચાલક લાલસિંહ મદનસિંહ રાઠોડ (રહે.ગાજુના ગામ, તા.માંડેલ, ચાનાસીવપુર, જિ.ભીલવાડા, રાજસ્થાન)નો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ગાડીની પાછળનો દરવાજો જોતાં શીલ લોક મારેલું હતું. આથી ડ્રાઇવરે કહેલું કે દરવાજાનુ લોક ડીઝીટલ પાસવર્ડ તથા ઓ.ટી.પી. વિના ખુલશે નહીં. જેનો પાસવર્ડ મેળવવા માટે વડોદરા ખાતે આવેલ ચૌધરી ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા રાકેશકુમારને પોલીસે ફોન કર્યો હતો. જેનાં કહેવા મુજબ પોલીસે પ્રોસેસ કરી ઓ.ટી.પી. મેળવી ડીજિટલ લોક સિસ્ટમમાં એન્ટર કરતાં જ લોક ખુલી ગયું હતું.
જોકે કન્ટેનરના બીજા દરવાજે પણ ખંભાતી તાળું મારેલું હોવાથી પોલીસે તોડી નાખ્યું હતું. બાદમાં કન્ટેનરની તલાશી લેતાં અંદર એમેઝોન કંપનીનો માલ સામાન ભરેલ હતો. પરંતુ બાતમી પાક્કી હોવાથી એમેઝોન કંપનીનો માલસામાન જે તે સ્થિમાં રાખી દરવાજો બંધ કરી ચાલક કેબીન તરફ નજર દોડાવી હતી અને આઇસર કન્ટેનરના કેબીનમાંના અલગ અલગ ખાનાઓ તેમજ ડ્રાઇવર સીટની પાછળ આરામ કરવા માટે રાખેલ સીટ તેમજ આજુબાજુમાં બેસવા માટેની સીટના નીચેના ભાગે ચેક કરતાં વિદેશી દારૂની પેટીઓ જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.
બાદમાં કન્ટેનરને અડાલજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ દારૂની પેટીઓની ગણતરી કરતા વિદેશી દારૂની 527 નંગ બોટલો તેમજ બિયર 120 નંગ મળીને કુલ રૂપિયા 1,67,855/-નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પૂછતાંછ કરતાં ચાલકે કબૂલાત કરેલી કે, રાજસ્થાનનાં ભિલવાડા જિલ્લાનાં શિવપુરા ગામનાં મૂકેશ સંપતલાલ કલાલે ભીમગામથી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને અમદાવાદ રીંગ રોડ પહોંચીને ફોન કરતા તેનો માણસ દારૂનો જથ્થો લેવા આવવાનો હતો. જેનાં પગલે પોલીસે દારૂનાં જથ્થા સહિત રૂપિયા 21,70,855/-નો મુદ્દામાલ કબ્જેકરી ચાલકની ધરપકડ કરી વોન્ટેડ મૂકેશ કલાલને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500