Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્ય સરકારશ્રીની યોજનાઓ અને CSRનાં નાણાંનો સદઉપયોગ કરી વિકાસશીલ તાલુકાનાં લોકોના સમૂચિત વિકાસની લોક જરૂરીયાત પર ભાર મુકતા જિલ્લા પ્રભારી સચિવ

  • July 15, 2023 

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૬થી વિકાસશીલ તાલુકા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આદિજાતિ વિસ્તારનાં અલ્પ વિકસિત તાલુકાઓને તાલુકાદીઠ વાર્ષિક રૂપિયા ૨.૦૦ કરોડની વધારાની રકમ ગ્રાન્ટ ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે વર્ષ-૨૦૨૨-૨૩માં નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા અને સાગબારા તાલુકા માટે સરકાર તરફથી ફાળવાયેલી રૂપિયા ૪.૦૦ કરોડની ગ્રાન્ટ અંતર્ગત વિકાસ કામોની સમીક્ષા અને વિચાર-વિમર્શ માટે જિલ્લા પ્રભારી સચિવશ્રી તથા ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટર એમ.એ.ગાંધીનાં અધ્યક્ષપદે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.



આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે દ્વારા નર્મદા એસ્પિરેશનલ જિલ્લા કાર્યક્રમ, વિકાસશીલ તાલુકાના વિવિધ ઈન્ડીકેટર્સ આધારિત વિવિધ વિભાગ દ્વારા થયેલા કામોના વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાનાં બે તાલુકામાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, ખેતી અને પશુપાલન વગેરે સેક્ટરનો ચિતાર રજુ કરી જિલ્લા પ્રભારી સચિવશ્રીને તાલુકાઓની પરિસ્થતિથી અને કરવામાં આવેલા કામો, પ્રગતિ હેઠળના કામોથી વાકેફ કરાયાં હતા. નર્મદા જિલ્લાનાં વિવિધ વિભાગીય અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ ગાંધી દ્વારા વિકાસશીલ જોગવાઈ હેઠળ આરોગ્ય, પોષણ, શિક્ષણ વગેરે સેકટરમાં અગાઉના વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ માં આરોગ્ય અને શિક્ષણમાં મંજુર થયેલા કામોની જન પ્રતિનિધિઓની હાજરીમાં ઉંડાણપૂર્વક સમીક્ષા કરી હતી.



જેમાં આજદિન સુધી શરૂ ન થયેલ કામો તાત્કાલિક અસરથી શરૂ કરવા તથા પ્રગતિ હેઠળનાં કામો ઝડપથી પુર્ણ કરી લોક કલ્યાણની સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી ઉપલબ્ધ થાય અને સરકારની યોજનાઓનો સકારાત્મક અમલ કરી જરૂરિયાતવાળા કુટુંબોને લાભ મળી રહે તે જોવા અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. ટ્રાયબલ જિલ્લામાં દાહોદ ખાતેના સદગુરૂ ફાઉન્ડેશન દ્વારા જળ સંચય અને ગ્રામીણ વિકાસના કામોને નર્મદા જિલ્લામાં પણ તેઓના માધ્યમ થકી અથવા સલાહ લઈને કામ કરવા જણાવ્યું હતું.


આ બેઠકમાં વર્ષ-૨૦૨૩-૨૪માં નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તથા સાગબારા તાલુકાઓ માટે સરકારશ્રી તરફથી ફાળવાયેલી રૂપિયા ૪.૦૦ કરોડની ગ્રાન્ટ તથા અગાઉના વર્ષોની બચત ગ્રાન્ટનું યોગ્ય પુનઃ આયોજન કરી જન પ્રતિનિધિઓને સાથે રાખીને નવા કામોનું આયોજન કરવા ખાસ અનુરોધ કર્યો હતો. બંન્ને તાલુકાઓના વિવિધ વિકાસ કામોના આયોજન માટે અગાઉ રજૂ કરાયેલી દરખાસ્તો સંદર્ભે પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે જિલ્લા પ્રભારી સચિવશ્રી ગાંધીએ વિસતૃત ચર્ચા-વિચારણા કરી હતી અને સરકારનાં નાણાંનો સુચારૂ સદઉપયોગ થાય તે માટે કામોનું સુયોગ્ય ગ્રામજનોના પરામર્શમાં રહી આયોજન હાથ ધરી સામુહિક વિકાસ અને વ્યક્તિગત આદિજાતી લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કામો હાથ ધરવા ગાંધીએ સુચન કર્યું હતું.



આ બેઠકમાં ઉપસ્થિત ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓએ પણ વિકાસ કામો અંગે પોતાના કેટલાંક સૂચનો રજૂ કર્યા હતા. જેનો સકારાત્મક નિકાલ કરવા જિલ્લાના અધિકારીઓએ સહમતી દર્શાવી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પણ જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ સાથે વિકાસ કાર્યોના અમલીકરણ મુદ્દે ખાસ કાળજી રાખી ચાલુ કામોને પ્રાથમિકતા આપી ઝડપથી પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર કરવા પણ જણાવ્યું હતું અને પ્રાથમિક શાળા, આંગણવાડીના કેમ્પસમાં આમળા-સરગવાના છોડ ઉથેરીને તેનો આહારમાં ઉપયોગ કરવા હિમાયત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application