ટ્વિટરના નવા માલિક ઇલોન મસ્કના નિર્ણયોની તેના કર્મચારીઓ પર જ નહીં,બીજી કંપનીઓ પર પણ નકારાત્મક અસર પડી છે. ગયા મહિનાના અંતે જ મસ્કે 44 અબજ ડૉલરની ચૂકવણી કરીને ટ્વિટરની ખરીદી કરી હતી. ત્યાર પછી ટ્વિટરનું સુકાન મસ્કના હાથમાં છે,પરંતુ તેમના ઉતાવળિયા નિર્ણયોના ઝટકાથી દુનિયાભરના લોકો પરેશાન છે.મસ્કના વેરિફિકેશનના નિર્ણયને લીધે આ સ્થિતિ સર્જાઈ છે.
વાત એમ છે કે,મસ્કે બ્લૂ ટિક વેરિફિકેશનને પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાનનું રૂપ આપી દીધું છે. મસ્કની આ જાહેરાત પછી વિટરે વેરિફાઇડ એકાઉન્ટ માટે આઠ ડૉલર ચાર્જ કરવાનું શરૂ કરી કર્યું, પરંતુ દુનિયામાં અનેક યુઝરે વિવિધ કંપનીઓ, વિવિધ ક્ષેત્રની હસ્તીઓના ફેક વેરિફાઇડ એકાઉન્ટ બનાવી દીધા. તેના કારણે તે કંપનીઓને જ નહીં, ટ્વિટરને પણ અબજોનું નુકસાન થયું છે. હવે લોકો ફક્ત આઠ ડૉલર ચૂકવીને તેમના ફેક એકાઉન્ટ વેરિફાઇડ કરી રહ્યા છે. એટલે કે ફેક વેરિફાઇડ એકાઉન્ટ્સ. કોઇએ ડોનાલ્ડ ટ્રમ્પના નામે તો કોઈએ જિસસ ક્રાઇસ્ટના નામે એકાઉન્ટ બનાવ્યા અને બ્લૂ ટિક ખરીદી પણ લીધી.
જેમ કે, હાલમાં જ પેપ્સીના નામે એક યુઝરે ફેક એકાઉન્ટ વેરિફાઇડ કરી દીધું, બ્લૂ ટિક પણ ખરીદી લીધી અને પછી લખ્યું કે, પેપ્સી કરતા કોક સારી છે. આ પોસ્ટથી અનેક યુઝર્સ મૂંઝવણમાં મૂકાયા કે, આવું ફેક એકાઉન્ટ વેરિફાઇડ કેવી રીતે હોઈ શકે. જોકે,તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે,આ હેન્ડલનું નામ PEPICO છે,પરંતુ પહેલી નજરે તે પેપ્સિકોનું જ એકાઉન્ટ હોવાનું માલુમ પડે છે. વળી, તે એકાઉન્ટ પાસે બ્લૂ ટિક પણ છે. આવું ફક્ત પેપ્સી સાથે જ નહીં, અનેક મોટી કંપનીઓ અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓ સાથે પણ થયું છે. જેમ કે, કોઈએ બ્લૂ ટિક ધરાવતું નેસ્લે કંપનીનું પણ ફેક એકાઉન્ટ બનાવી દીધું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500