એકવાર ફરીથી દેશમાં લોકડાઉન લાગવાનું છે અને દીવાળી સુધીમાં બધી ટ્રેન સેવાઓ બંધ રહેશે...શું તમે પણ આવો કોઈ મેસેજ જોયો છે? જો હા તો ખાસ વાંચો આખો અહેવાલ. એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતા દેશમાં એકવાર ફરીથી લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. PIB ફેક્ટ ચેક દ્વારા આ વાયરલ મેસેજ વિશે માહિતી આપવામાં આવી છે.
શું છે આ દાવા પાછળ સચ્ચાઈ?....
PIB Fact Check એ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ખબર વિશે જણાવ્યું છે કે એવો દાવો થઈ રહ્યો છે કે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યામાં વધારો થવાના કારણે કાલ સવારથી દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવશે. આ ઉપરાંત દીવાળી સુધી દેશભરમાં તમામ ટ્રેન સેવાઓ પણ બંધ રહેશે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.
પીઆઈબીએ સ્ક્રિનશોટ શેર કર્યો…
PIB ફેક્ટ ચેકે પોતાની ટ્વીટમાં આ મેસેજનો એક સ્ક્રિનશોટ પણ શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ભારત સરકારે દેશવ્યાપી લોકડાઉન અને ટ્રેન સેવાઓને બંધ કરવા અંગે કોઈ પણ જાહેરાત કરી નથી. તેની નીચે કોઈ ચેનલનો સ્ક્રિનશોટ પણ જોવા મળી રહ્યો છે જેમાં લખ્યું છે કે 'ત્રીજી લહેર ખતરનાક, કાલ સવારથી લોકડાઉન. દિવસમાં સાત લાખ કોરોના સંક્રમિત. નીચે બ્રેકિંગ ન્યૂઝમાં લખ્યું છે કે દેશમાં તમામ ટ્રેન સેવાઓ દીવાળી સુધી બંધ'. અને તેના પર ફેકનો લાલ માર્ક પણ લગાવવામાં આવ્યો છે.
જો તમારી પાસે પણ આવો કોઈ વોટ્સએપ મેસેજ આવ્યો હોય તો તેનાથી સતર્ક થઈ જજો. આ મેસેજ સંપૂર્ણ રીતે ફેક છે. તેના પર જરાય વિશ્વાસ ન કરતા કે અન્ય કોઈને ફોરવર્ડ પણ ન કરતા. આજકાલ આવા ફેક મેસેજનું ચલણ ખુબ વધી ગયું છે. તેનાથી સાવધ રહેવું ખુબ જરૂરી છે.
PIB સરકારી યોજનાઓ પર ખોટી જાણકારીનો પર્દાફાશ કરે છે…
અત્રે જણાવવાનું કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ કે યોજનાઓ પર ખોટી જાણકારીઓનો પર્દાફાશ કરે છે. જો તમને કોઈ સરકાર સંબંધિત સમાચાર નકલી હોવાનો શક હોય તો તમે PIB ફેક્ટ ચેકને આ અંગે જાણકારી આપી શકો છો. આ માટે તમે 918799711259 મોબાઈલ નંબર કે [email protected] ઈમેલ આઈડી પર વિગતો મોકલી શકો છો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500