Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘વન નેશન વન ઇલેક્શન’ને મંજૂરી મળી જાય તેવી અટકળો વચ્ચે કમિટીના આ રિપોર્ટને સ્વીકારાયો

  • September 19, 2024 

લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરવા માટેની તૈયારીનો પ્રારંભ થઇ ગયો છે. વન નેશન વન ઇલેક્શન પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં એક કમિટી રચાઇ છે, આ કમિટી દ્વારા પોતાનો રિપોર્ટ કેન્દ્રીય કેબિનેટને સોંપવામાં આવ્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટની બેઠક યોજાઇ હતી જેમાં કમિટીના આ રિપોર્ટનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને તેને મંજૂરી અપાઇ હતી. મોદી સરકારના વર્તમાન કાર્યકાળમાં જ વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી જાય તેવી અટકળો વચ્ચે કમિટીના આ રિપોર્ટને સ્વીકારાયો છે. કેબિનેટ દ્વારા કમિટીનો રિપોર્ટ સ્વીકારી લેવામાં આવ્યો છે, હવે તેના આધારે કાયદામાં સુધારા માટેનું બિલ તૈયાર કરવામાં આવશે જેને લોકસભા અને રાજ્યસભામાં મોકલવામાં આવશે. આગામી શિયાળુ સત્રમાં આ બિલ રજુ કરવામાં આવી શકે છે.


જો તેને મંજૂરી મળી જાય અને કાયદો બની જાય તો વર્ષ ૨૦૨૯માં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવામાં આવી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં રચાયેલી કમિટીએ આ વર્ષે માર્ચ મહિનામાં વર્તમાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને રિપોર્ટ સોંપી હતી. ૧૮ હજારથી વધુ પેજની આ રિપોર્ટમાં લોકસભા, વિધાનસભાઓ અને સાથે સાથે નગર પાલિકો-પંયાયતોની ચૂંટણીઓ સાથે યોજવાની ભલામણ કરવામાં આવી છે. કમિટીએ બે તબક્કામાં એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી. ભલામણો મુજબ પ્રથમ તબક્કામાં લોકસભાની સાથે સાથે તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવામાં આવે અને તેની શરૂઆત વર્ષ ૨૦૨૯થી કરવામાં આવી શકે છે.


જ્યારે બીજા તબક્કામાં નગર પાલિકાઓ-પંચાયતોની ચૂંટણી યોજવામાં આવે, લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વ થાય તે બાદ ૧૦૦ દિવસમાં જ આ બીજા તબક્કાને આવરી લેવાની ભલામણ કરાઇ છે. આ સુધારા માટે બંધારણમાં આર્ટિકલ ૮૨એ જોડવામાં આવે, આવુ કરવાથી લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે યોજવી શક્ય છે. વળી આ સુધારા માટે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરીની પણ જરૂર નહીં રહે, કેન્દ્ર સરકાર સીધા જ બંધારણમાં સુધારો કરી શકે છે. હાલ બંધારણમાં આર્ટિકલ ૮૩ લોકસભાની ચૂંટણી અને આર્ટિકલ ૧૭૨ વિધાનસભાની ચૂંટણીનો કાર્યકાળ પાંચ વર્ષ રહેશે તેવી વ્યાખ્યા કરે છે.


હવે તેમાં આર્ટિકલ ૮૨એ જોડાઇ જાય તો બન્નેની ચૂંટણી સાથે યોજવી શક્ય છે. જોકે નગર પાલિકાઓ અને પંચાયતોને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ ભંગ કરવી હોય તો તે માટે બંધારણના આર્ટિકલ ૩૨૫માં સંશોધન કરવું પડશે અને આ સંશોધન ત્યારે જ લાગુ થઇ શકે જ્યારે ઓછામાં ઓછા ૧૫ રાજ્યો દ્વારા વિધાનસભાઓમાં તેને મંજૂરી અપાય. એટલે કે જો કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાંથી બિલ પસાર કરી લેવામાં આવે તો પણ આ બિલને ઓછામાં ઓછા ૧૫ રાજ્યોની વિધાનસભાઓની મંજૂરીની જરૂર રહેશે. જે બાદ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પછી જ તેનો અમલ થઇ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application