Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરથાણામાં આવેલ આદર્શ નિવાસી શાળાનાં બોઇઝ હોસ્ટેલની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ જતાં બાળકોનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું

  • July 23, 2024 

છેલ્લાં ત્રણ દિવસથી શહેરમાં સતત અનારાધાર ભારે વરસાદ વરસી રહ્યો હોવાના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે આજે સવારે ખાડી કિનારા પર આવેલા પુણા કુંભારિયામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. મીઠી ખાડી વિસ્તારનાં ઘરો 40 કલાકથી પાણીમાં છે. ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના લીધે લોકોની હાલત કફોડી બની છે. આ તરફ વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તા પર ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. કારો અડધી ડૂબી ગયેલી છે છેલ્લાં બે દિવસથી પુણા કુંભારિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જોકે મોડી રાત્રે પાણીના ભરાવાના કારણે 20 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જ્યારે બાકીના લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામા આવ્યું હતું. આજે વહેલી સવારથી પૂણા અને કુંભારિયાનાં બોટ દોડતી થઈ છે.


સામાન્ય દિવસોમાં પૂણા કુંભારિયા વિસ્તારના રોડ ટ્રાફિકથી ધમધમતા હોય છે. પરંતુ હાલમાં પડી રહેલા દેમાર વરસાદના કારણે આ વિસ્તારના રોડ પાણીમાં ગરક થઈ ગયા છે અને કેટલાક રોડ પર વાહન વ્યવહાર શક્ય નથી તેથી રોડ બંધ કરાયા છે. પુણા કુંભારિયા ખાતે આવેલ પાદર ફળિયુ, હળપતિ વાસ ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અંદાજિત 7થી 8 ફૂટ ખાડી પૂરના પાણી ભરાતા લોકો ઘરોની અંદર કેદ થયા છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવવા માટે પણ ભારે મુશ્કેલી થઈ રહી છે. બંને વિસ્તારો બેટમાં ફેરવાયા છે. નજીકમાં આવેલી નેચર વેલી રેસીડેન્સીના 900 પરિવાર ખાડી પૂરના પાણીના કારણે ઘરોમાં કેદ થયા છે. હાલમાં આ વિસ્તારમાં કોઈ બીમાર હોય કે અગત્યનું કામ હોય તેવા લોકો માટે પાલિકા દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી છે.


આવી સ્થિતિને કારણે ગતરોજ રાત્રે લિંબાયત ઝોન દ્વારા પૂણા-કુંભારિયાના 20 લોકોને સલામત સ્થળે બોટ મારફતે ખસેડયા હતા. આજે દિવસ દરમિયાન અસરગ્રસ્તોને ફૂડ પેકેટ આપવાનું શરૂ કરાયું છે. આજે સવારથી એકાએક આ વિસ્તારમાં ભરાયેલા પાણીની સપાટીમાં વધારો થયો હતો, તેથી તંત્ર દોડતું થયું હતું. પુણા વિસ્તારમાં આવેલી કુંભારિયા પ્રાથમિક શાળામાં આજે સવારે ખાડીના પાણી પ્રવેશ્યા હતા. ભારે વરસાદ અને પાણીનો ભરાવો થવાના લીધે સમસ્યા વધી હતી. શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ નહોતા. તેથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.


સરથાણા વ્રજચોક લટુંરીયા હનુમાન મંદિર, સીમાડા વોટર વર્કની પાછળ આવેલી આદર્શ નિવાસી શાળા બોઇઝ હોસ્ટેલની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ જતા 40 બાળકોનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. એટલું જ નહી પણ તમામ બાળકોને સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં નવા પૂર્વ સરથાણા ઝોનના અધિકારીઓ પણ જોડાયા હતા. આજે સતત ત્રીજા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે સવારે વેસુની ભગવાન મહાવીર કોલેજ પાસેની એક બિલ્ડિંગ પર લગાવવામાં આવેલા લાકડા અને નેટનો શેડ તૂટી પડ્યો હતો. ભારે પવન અને વરસાદને લીધે શેડ તૂટ્યો હતો.


દર વર્ષે ખાડી પૂરમાં સણિયા હેમાદ ગામમાં પાણી ભરાઈ જતા હોય છે. આ વખતે પણ એવું જ બન્યું છે. સતત બીજા દિવસે ગામમાં ચાર ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેના લીધે ગામમાં બોટ તરતી થઈ છે. ગામમાંથી 35 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. ભારે વરસાદથી સુરતના DEO ડો.ભગીરથસિંહ પરમારે કહ્યું કે, સુરત શહેર-જિલ્લામાં આજે એટલે કે તા.23/06/2024ના રોજ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આથી શાળાના આચાર્યે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રાખવા કે વિદ્યાર્થીઓને વહેલા છોડવા અંગેનો નિર્ણય કરવો. કોઈપણ વિદ્યાર્થીને શાળા પર આવવામાં કે જવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબત ધ્યાને રાખી આચાર્યે નિર્ણય લેવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application