મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં દોઢ વર્ષનું બાળક 3 દિવસ સુધી પોતાના માતા-પિતાના મૃતદેહ સાથે બંધ ઘરમાં પડી રહ્યુ. ભૂખ્યુ-તરસ્યુ બાળક બેભાન થઈ ચૂક્યુ હતુ. જેના કારણે પાડોશીઓને તેના રડવાનો અવાજ પણ ના સંભળાયો. મૃતદેહ સડવા લાગ્યા તો પાડોશીઓને તેની દુર્ગંધ આવી. પોલીસે પહોંચીને ઘર ખોલીને જોયુ તો દંપતીના મૃતદેહ પંખા સાથે લટકી રહ્યા હતા અને બાળક બેભાન અવસ્થામાં પડ્યુ હતુ. પોલીસે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ.
ઘટના ગ્વાલિયર શહેરના મદ્દીના બજાર વિસ્તારની છે. સોનુ ઉર્ફે નૂર આલમ વ્યવસાયે હેર સલૂનનું કામ કરતા હતા. પત્ની શબાના અને 3 બાળકો સાથે રહેતા હતા. ઈદના અવસરે તેમના બે બાળકો તેમની દાદી પાસે ગયા હતા. સોનુ પત્ની શબાના અને દોઢ વર્ષના બાળક સાથે પોતાના ઘરે હાજર હતા. મંગળવારની સાંજે સોનુના ઘરમાંથી પાડોશીઓને સડવાની દુર્ગંધ આવી. લોકોએ સોનુના ઘરનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો તે ખુલ્યો નહીં. જે બાદ પાડોશીઓએ તાત્કાલિક સોનુની માતા અને પોલીસને જાણકારી આપી. માહિતી મળતા જ પરિવારના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી.
પોલીસે ભારે જહેમત બાદ ઘરનો દરવાજો ખોલ્યો. ઘરની અંદરના દ્રશ્યો જોઈને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ.ઘરની અંદર એક રૂમમાં સોનુનો મૃતદેહ પંખા સાથે લટકી રહ્યો હતો. મૃતદેહ સડવા લાગ્યો હતો. બીજા રૂમમાં શબાનાનો મૃતદેહ પણ પંખા સાથે લટકી રહ્યો હતો. લોકોએ જોયુ કે તેમનું દોઢ વર્ષનું માસૂમ બાળક બેભાન પડ્યુ હતુ. પોલીસે તાત્કાલિક બંને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. સાથે જ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500