દેશમાં ઘઉં અને ચોખાનાં વધતાં જતાં છૂટક ભાવોને અંકુશમાં લાવવા માટે કેન્દ્ર સરકાર બફર સ્ટોકમાંથી ચાર લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ચોખાની જથ્થા બંધ ગ્રાહકો અને વેપારીઓને હરાજીમાં વેચશે. સરકાર આ બે અનાજના છૂટક ભાવોને કાબૂમાં લેવા માટે ડયુટિ ઘટાડવા સહિતના શક્ય તમામ પગલાં ભરશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. અનાજની પ્રાપ્તિ અને વિતરણ માટે સરકારની મુખ્ય એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-એફસીઆઇ- દ્વારા ઘઉંનું તારીખ 28 જુને અને ચોખાનું પાંચ જુલાઇએ ઇ-ઓક્શન કરવામાં આવશે. ઘરેલૂ પુરવઠો વધારવા અને ભાવોને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા આ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
એફસીઆઇનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અશોક કે.મીનાએ જણાવ્યું હતું કે, ફુગાવાને કારણે ઘઉં અને ચોખાનાં છૂટક ભાવો વધી રહ્યા હોવાથી સરકારે અમને ઓપન માર્કેટ સેલ સ્કીમ-ઓએમએસએસ- શરૂ કરવાનો આદેશ આપ્યો છે. અમારુ ધ્યેય આ બે અનાજના છૂટક ભાવોને નીચા લાવવાનું છે. સરકારે સંઘરાખોરી અને વધતાં જતાં ભાવોને કાબૂમાં લેવા માટે બાર જુને સ્ટોકમર્યાદા લાગુ પાડી હતી. જે માર્ચ 2024 સુધી અમલમાં રહેશે. ઓએમએસએસ હેઠળ સેન્ટ્રલ પુલમાંથી ૧૫ લાખ ટન ઘઉંને મોટાગ્રાહકો અને વેપારીઓને વેચવામાં આવશે. કેન્દ્ર સરકારે આ રીતે જ ચોખા વેચવાનો નિર્ણય પણ લીધો છે પણ તેનો કેટલો જથ્થો ઠલવાશે તે નકકી જણાવાયું નથી.
મીનાએ જણાવ્યું હતું કે ઘઉંની હરાજી માટે ગતરોજ રાત્રે જ ટેન્ડર બહાર પાડી રહ્યા છીએ. ઓક્શનના પહલા રાઉન્ડમાં તારીખ 28 જુને ચાર લાખ ટન ઘઉં અને પાંચ જુલાઇએ પાંચ લાખ ટન ચોખાની હરાજી કરવામાં આવશે. આ ઇ-ઓક્શનમાં ખરીદાર મહત્તમ 100 ટન અનાજની ખરીદી શકશે. નાના વેપારીઓ દસ ટનની પણ ખરીદી કરી શકશે. ફેર એન્ડ એવરેજ ક્વોલિટી માટે ઘઉંની રિઝર્વ પ્રાઇસ ક્વિન્ટલ દીઠ 2150 અને ઉતરતી ક્વોલિટી માટે ક્વિન્ટલ દીઠ 2125 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે ચોખાની રિઝર્વ પ્રાઇસ ક્વિન્ટલ દીઠ 3100 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ હરાજીમાં યોગ્ય વેપારીઓને જ લાભ મળે તે માટે જીએસટી નંબર ચકાસ્યા બાદ જ જથ્થો છૂટો કરવામાં આવશે તથા હરાજીમાં ભાગ લેવા માટે માન્ય એફએસએસએઆઇ લાઇસન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઘઉંની સંઘરાખોરીને નિયંત્રણમાં રાખવા માટે સરકારે હરાજીમાં ભાગ લેનારા માટે વ્હીટ મોનિટરિંગ સિસ્ટમ પોર્ટલમાં જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે. મીનાએ જણાવ્યું હતું કે જરૂર પડે તો સરકાર ઓએમએસએસ હેઠળ વાપરવા માટે સરકાર પાસે વધારાના 87 લાખ ટન ઘઉં અને 292 લાખ ટન ચોખા પડયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500