કેન્દ્ર સરકારનાં શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં જમા પડેલી રકમ પર 2022-23નાં વર્ષમાં એટલેકે 31મી માર્ચ 2023 સુધી જમા પડેલી રકમ પર 8.15 ટકા વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના પ્રસ્તુત નિર્ણયને પરિણામે ગુજરાતની 45 હજારથી વધુ કંપનીઓના 65 લાખ કર્મચારીઓને વધારાનો લાભ મળશે. દેશના 5 કરોડથી વધુ સબસ્ક્રીબર્સને રૂપિયા 90 હજાર કરોડનો ફાયદો થશે, એમ ભારતના શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું. વાસ્તવમાં આ અંગેની જાહેરાત માર્ચ 2023માં કરવામાં આવી હતી, તેને મંજૂરી આજે આપીને જાહેરાત કરવામાં આવી છે. પ્રોવિડન્ટ ફંડના ખાતામાં રૂપિયા 1 લાખ જમા પડયા હશે તો માત્ર રૂપિયા 50નું વ્યાજ વધારે જમા થશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બે દિવસની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ 2022માં વ્યાજનો દર ઘટાડીને 8.10 ટકા કરી દેવામાં આવ્યો હતો. તે અત્યારે 8.15 ટકા કરવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકારનું નાણાં ખાતું તેના પર મંજૂરીની મહોર મારશે. નાણાં મંત્રીની મહોર લાગતા પ્રોવિડન્ટ ફંડના દરેક ખાતાધારકોને ખાતામાં આ રકમ જમા કરાવી દેવામાં આવશે. પ્રોવિડન્ટ ફંડનાં જાણકારોનું કહેવું છે કે, સરકાર તરફથી ચૂકવવામાં આવતા વ્યાજના દર ઓછા હોવાથી હવે નવા કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડમાં તેમના નાણાં રોકવાનું પસંદ કરતાં નથી. તેને બદલે તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા તરફ વળી રહ્યા છે. સબજેક્ટ ટુ માર્કેટ રિસ્ક હોવા છતાંય અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓને લાંબે ગાળે સરેરાશ 12 ટકા અને કેટલાક કિસ્સાઓમાં 15થી 20 ટકા રિટર્ન મળી જતુ હોવાથી સરકારની પ્રોવડન્ટ ફંડ સ્કીમને પસંદ કરનારાઓ મોટા પગારદારોની સંખ્યા ઘટી રહી છે.
આમેય સરકારના નિયમ મુબજ રૂપિયા 15 હજાર સુધીના માસિક પગાર દારોને પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ હેઠળ આવરી લેવા ફરજિયાત છે. તેનાથી વધુ બેઝિક પગાર ધરાવનારાઓ હવે મ્યુચ્યુઅલ ફંડને વધુ પસંદ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેનું કારણ આપતા જાણકારો કહે છે કે પ્રોવિડન્ટ ફંડ કચેરી દ્વારા આપવામાં આવતા વ્યાજના દર સતત ઘટાડવામાં આવી રહ્યા છે. 1990થી 1999ની સાલ સુધી પ્રોવિડન્ટ ફંડ પર 12 ટકાના દરે વ્યાજ આપવામાં આવતું હતું. ત્યારબાદ 2000ની સાલમાં વ્યાજદર ઘટાડીને 11 ટકા કરવામાં આવ્યો હતા. ત્યારબાદ 2002માં 9.5 ટકા કરવામાં આવ્યા હતો. ત્યારબાદ વ્યાજના દરમાં સતત ઘટાડો કરવાની માનસિકતા સરકારે દાખવી છે. પરિણામે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરનારાઓને નિવૃત્તિ ટાણે મળવા પાત્ર ફંડ બહુ જ ઓછું થઈ રહ્યું છે. સતત વધી રહેલી મોંઘવારીના કાળમાં પ્રોવિડન્ટ ફંડની કુલ રકમની વ્યાજની આવકમાંથી ટકવું કઠિન બની રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500