બુધવારની મધરાતે એસજી હાઇવે પર 160 કિમી પૂરઝડપે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરી તથ્યા પટેલએ નવ નિર્દોષની જિંદગી કચડી નાંખી હતી. આ અકસ્માત પહેલા થાર અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત થતાં મદદ માટે ઉભા રહેલા રાહદારીઓને ફુટબોલની જેમ ફંગોળતા મરણચીસો ગુંજી ઉઠી હતી. આ થાર ગાડી ચલાવનાર પણ એક સગીર જ હતો. જે આ સમગ્ર અકસ્માતની ઘટનાનું નિમિત્ત બન્યો છે. ભલે થાર ચલાવનારે કોઈ જાનહાનિ સર્જી નથી પરંતુ આ ઘટનામાં સૌથી ગંભીર બાબત જે આંખે ઉડીને વળગે છે તે છે સગીરોને અપાતી બેફામ છૂટના પગલે આ 'સામૂહિક હત્યાકાંડ'નું એક કારણ બન્યું.
રાજ્યમાં માલેતુજાર બાપના સગીર દીકારાઓ મોંઘીદાટ ગાડીઓ લઈને નીકળી પડે છે અને અકસ્માત નોંતરે છે. એક બાજુ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને આરોપી બનાવે છે પરંતુ બીજી બાજુ થારનો અકસ્માત થયો તેના સગીર કારચાલકના પિતા સામે હજુ સુધી ગુનો દાખલ થયો નથી. પોલીસે 16 વર્ષના થારના કારચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, જ્યારે પિતા મેલાજી ઠાકોર વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ છે અને IPC 189 કલમ હેઠળ કોર્ટમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે મંજૂરી મંગાઈ છે.
એસ.જી. હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ બલભદ્રસિંહ થાર ગાડી વાળી ઘટનામાં ફરિયાદી બન્યાં છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, અમને ઈસ્કોન બ્રિજ પર થાર ગાડીનો અકસ્માત થયો છે તેવું પોલીસ સ્ટેશન ખાતે જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે જઈને જોતાં માલુમ પડ્યું હતું કે, ઈસ્કોન બ્રિજ ઉપર કર્ણાવતી ક્લબ તરફતી રાજપથ ક્લબ તરફના રોડ પર આ થાર ગાડી અકસ્માત થયેલી સ્થિતિમાં પડી હતી.
આ સમયે ઘટના સ્થળે થાર ગાડીનો ચાલક ત્યાં હાજર હતો. તેણે આ થાર ગાડી ગફલતભરી રીતે ચલાવીને ડમ્પરની પાછળ ટક્કર મારી હતી. આ અકસ્માત થયો ત્યારે માણસોનું ટોળું ભેગુ થયું હતું. આ દરમિયાન વધુ એક ગાડી ત્યાંથી પસાર થઈ અને આ ટોળા પર કાર ચઢાવી દીધી હતી. એસ.જી. હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ સગીર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદમાં સગીર ચાલકો દ્વારા થતા અકસ્માતના કિસ્સાઓમાં તેમને વાહન આપનાર વાલી કે વ્યક્તિ વિરૂદ્વ ગુનો નોંધવા માટે સુચના આપવામાં આવી છે. થાર અને ડમ્પર વચ્ચેના અકસ્માત અંગે ટ્રાફિક વિભાગના સિનિયર અધિકારીઓએ સુચના આપી છે કે ૧૬ વર્ષના સગીરને કાર આપનાર તેના પિતા કે કાર આપનાર વ્યક્તિ વિરૂદ્વ ગુનો નોંધીને કાર્યવાહી કરવી. આ ઉપરાંત, અમદાવાદ ટ્રાફિક પોલીસના સ્ટેશનના અધિકારીઓને સુચના આપવામાં આવી છે,ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને અકસ્માત થવાના કિસ્સામાં સગીર આરોપી હોય તો તાકીદથી તેને વાહન આપનાર વિરૂદ્વ ગુનો નોંધવો.આ સાથે અમદાવાદમાં સગીર વિરૂદ્વ નોંધાયેલા ગુનાના તમામ માહિતી પણ એકત્ર કરવામાં સુચના આપવામાં આવી છે. જેમાં ગંભીર ગુનાઓને અલગ તારવીને સગીરને વાહન આપનારને વિરૂદ્વ કાર્યવાહી કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500