Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીનાં હસ્તે વિદ્યાર્થીઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકનું વિનામૂલ્યે વિતરણ કરાયું

  • February 12, 2023 

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે સુરત જિલ્લાના ઓલપાડ સ્થિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે ધો.૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં શાળાના બાળકો ધો.૧૦ અને ૧૨માની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે પુસ્તકનાં વાંચન થકી વિદ્યાર્થીઓ ભયભીત થયા વગર મુક્તમને પરીક્ષા આપી શકે અને વાંચન કર્યા બાદ નવી ઊર્જા અને પ્રેરણા મળે એ ઉદ્દેશથી પુસ્તકનું વિતરણ કરાયું હતું.






આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું કે, શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષક-અધ્યાપકો અને તેમના વાલીઓને અત્યંત ઉપયોગી તેમજ પ્રકરણવાર ૧ થી ૩૪ નવા મંત્રો સાથેનું ‘એકઝામ વોરિયર્સ’ પુસ્તક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રસપ્રદ શૈલીમાં રચાયું છે. આગામી ૧૪ માર્ચથી શરૂ થનાર ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈને વિદ્યાર્થીઓ પરીક્ષાના હાઉથી ન પીડાય એ માટે વિદ્યાર્થીઓ આ પુસ્તક વાંચીને પરીક્ષા નહિ પણ ઉત્સવ ઉજવી રહ્યા છે એવો આભાસ થશે.


આ પુસ્તક કેવળ પરીક્ષાના મહત્વ વિશે જ નહી પરંતુ અમૂલ્ય માનવજીવનના મહત્વ વિશે પણ સમજાવે છે. મંત્રીએ નિશ્ચિત ધ્યેય સાથે આગળ વધશો તો સફળતા અને મંઝીલ સુધી અવશ્ય પહોંચી શકશો એવી શીખ આપતા કહ્યું કે, માતા-પિતા હંમેશા બાળકનું હિત ઈચ્છતા હોય છે, જેથી માતાપિતાનું કહ્યું માનવાથી જીવનમાં ક્યારેય હતાશાનો સામનો કરવો નહીં પડે એમ જણાવી તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાથી ડરવા નહીં, પણ તેને એક ઉત્સવના રૂપમાં આનંદભેર ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.






નોંધનીય છે કે, ૧૩ ભાષામાં પ્રકાશિત ‘એકઝામ વોરિયર્સ’ પુસ્તકમાં ૧ થી ૨૮ મંત્રો મુખ્યત્વે વિદ્યાર્થીઓ માટે છે. પરીક્ષાખંડમાં મહત્વની નાની બાબતોથી લઈને વર્ગખંડની બહાર જવા સુધી, પોતે પોતાની જ સાથે સ્પર્ધા કરવાથી લઈને પોતાને શોધવા સુધી, સમય વ્યવસ્થાથી લઈને ટેકનોલોજી સુધી, કૃતજ્ઞતાથી લઈને લક્ષ્ય નિર્ધારણને આવરી લેવાયા છે.





જ્યારે ૨૯ થી ૩૪ મંત્રો માતા-પિતા માટે છે, જેમાં બાળકોને પ્રોત્સાહનનું મહત્વ, પૂર્વગ્રહ વિના બાળકોને પરીક્ષા માટે તૈયાર કરવા, માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ, ટેકનોલોજીની ભૂમિકા, સકારાત્મક વાતાવરણ સ્થાપિત કરવામાં માતા-પિતાની નિર્ણાયક ભૂમિકા વગેરે વિષયો આ પુસ્તકમાં આવરી લેવામાં છે. આ પ્રસંગે ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળના પ્રમુખ, અગ્રણી, આચાર્ય, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application