પૂર્વોત્તર રાજ્ય આસામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે.આસામના સિલચરમાં બીજેપી સાંસદ રાજદીપ રોયના ઘરેથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.બાળકની ઉંમર દસ વર્ષની જણાવવામાં આવી રહી છે.યોગાનુયોગે આ સગીરનું નામ પણ રાજદીપ રોય જ છે.મળતી માહિતી મુજબ તેની લાશ પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસે સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિલચર મેડિકલ કોલેજ મોકલી દીધો છે.આ ઘટના અંગે માહિતી આપતાં કચર જિલ્લાના અધિક પોલીસ અધિક્ષક સુબ્રત સેને જણાવ્યું કે બાળકની માતા લગભગ અઢી વર્ષથી બીજેપી સાંસદના ઘરે ઘરેલુ કામ કરે છે.છોકરાની માતાએ તેના બે બાળકોને સારા શિક્ષણ માટે થોડા વર્ષો પહેલા સિલચરમાં શિફ્ટ કર્યા હતા. મહિલા મૂળ ધોલાઈ વિસ્તારની છે.
જ્યારે આ ઘટના અંગે બીજેપી સાંસદ રાજદીપ રોયને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે 10 વર્ષના છોકરાએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. જે રૂમમાં મૃતદેહ મળ્યો હતો તેનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડ્યો તો બાળક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેણે આગળ કહ્યું કે છોકરો ખૂબ જ સ્માર્ટ હતો. આ મૃત્યુ મારા માટે અંગત ખોટ છે.રાજદીપ રોયે વધુમાં કહ્યું કે જ્યારે તેની માતા મારી પુત્રી સાથે બહાર જઈ રહી હતી ત્યારે છોકરાએ તેની માતા પાસે ફોન માંગ્યો હતો, જેના માટે તેણે ના પાડી દીધી હતી. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો લાગે છે પરંતુ હું તેના વિશે ચોક્કસ કંઈ કહી શકું તેમ નથી. મેં પોલીસને આ મામલે તપાસ કરવા કહ્યું છે.
પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો લાગે છે. મૃતક સગીરના પરિવારના સભ્યોએ એમ પણ કહ્યું હતું કે તેણે વીડિયો ગેમ રમવા માટે ફોન માંગ્યો હતો. પણ અમે ના પાડી એટલે તે ગુસ્સે થયો. તેથી અમારુ માનવું છે કે ફોન નહીં મલતા ગુસ્સે ભરાઇને સગીરે આત્મહત્યા કરી હશે. જોકે, અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500