ગાંધીનગર શહેરના વીઆઈપી એવા જ માર્ગ ઉપર બપોરના સમયે જઈ રહેલા કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. પોલીસે હાલ કાર ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દહેગામ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં રહેતા દિનેશભાઈ સોમાભાઈ આર્યન નિવૃત્તિ જીવન ગુજારી રહ્યા છે. જ્યારે તેમની પુત્રી હષકા સેક્ટર-3માં આવેલી ખાનગી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીસ્ટ તરીકે ઇન્ટરનશીપ કરી રહી છે. આજે તેમની પુત્રીને ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોવાથી દિનેશભાઈ બાઈક ઉપર તેને મૂકવા ગયા હતા અને ત્યારબાદ તેઓ બાઈક લઈને જ માર્ગ ઉપર ચ-ઝીરો તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન ઇન્દ્રોડા ગામ પાસે પાછળથી આવી રહેલી કારે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હાથની આંગળીઓ પણ કપાઈને બોનેટ સાથે ચોંટી ગઈ હતી. એટલું જ નહીં દિનેશભાઈ જમીન ઉપર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સ્થળ ઉપર જ તેમનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટનાને પગલે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ થંભી ગયા હતા અને આ અંગે સેક્ટર-7 પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500