દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું છે. દિલ્હી પોલીસે દરોડા પાડીને આશરે ૫૬૫ કિલો કોકેન જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ કુલ કિમત આશરે ૫૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી છે. અગાઉ રવિવારે બે અફઘાનિસ્તાનીઓ ૪૦૦ ગ્રામના ડ્રગ્સ સાથે ઝડપાયા હતા જેમની પૂછપરછ તેમજ એજન્સીઓના ઇનપુટ બાદ આ સૌથી મોટુ રેકેટ સામે આવ્યું છે. જેની પાછળ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ હોવાની પણ શક્યતાઓ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જણાવ્યું હતું કે, અગાઉ ૩૬૦ કિલો હેરોઇન ઝડપવામાં આવ્યું હતું. પરંતુ કોકેન બહુ જ ઓછા જથ્થામાં ઝડપાતું હતું, પ્રથમ વખત એવુ બન્યું છે કે, દિલ્હીમાં ૫૦૦ કિલોથી વધુનું કોકેન ઝડપાયું છે. જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં કિંગપિનનું નામ તુષાર ગોયલ તરીકે સામે આવ્યું છે.
તે દિલ્હીના વસંત વિહારનો રહેવાસી છે. તેના અન્ય સાથીઓ ઔરંગઝેબ, હિમાંશુને પણ ઝડપી લીધા છે. આ બન્ને આરોપીઓ તુષાર ગોયલની સાથે જ રહેતા હતા. જ્યારે ઔરંગઝેબ તેમની ગાડી ચલાવતો હતો. ચોથા આરોપીનું નામ ભરત જૈન છે. જે કોકેન લેવા માટે મુંબઇથી દિલ્હી આવ્યો હતો. દિલ્હી સ્પેશિયલ સેલના એડિશનલ કમિશનર પ્રમોદ કુશવાહાએ જણાવ્યું હતું કે, પોલીસે સૌથી પહેલા આરોપીઓ પાસેથી ૧૫ કિલોનું કોકેન જપ્ત કર્યું હતું, જે બાદ મહિપાલપુર એક્સટેંશન સ્થિત એક ગોદામમાં દરોડા પડાયા હતા, જ્યાંથી આ મોટો જથ્થો ઝડપાયો હતો. ડ્રગ્સને ૨૩ કાર્ટન અને ૮ યુએસ પોલો શર્ટના કવરની અંદર છુપાવીને રખાયું હતું. આ સમગ્ર રેકેટને મિડલ ઇસ્ટના એક દેશનો હેન્ડલર ઓપરેટ કરી રહ્યો હતો.
દેશના અલગ અલગ શહેરોથી આ ડ્રગ્સ દિલ્હી પહોંચાડવામાં આવ્યું હતું. ડ્રગ્સને એકઠુ કરવા કે વેચવા માટે બહુ જ ઓછી માત્રાનો ઉપયોગ કરાતો હતો કે જેથી એક સાથે સમગ્ર જથ્થો ઝડપાઇ નહીં. હજુ રવિવારે જ દિલ્હી કસ્ટમ વિભાગનાં અધિકારીઓએ એરપોર્ટ પરથી એક લાઇબેરિયન નાગરિકને ૧૬૬૦ ગ્રામ કોકેન સાથે ઝડપી પાડયો હતો જેની કિમત આશરે ૨૪ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. જ્યારે તિલક નગર વિસ્તારમાં ૪૦૦ ગ્રામ હેરોઇન અને ૧૬૦ ગ્રામ કોકેન સાથે બે અફઘાનિસ્તાનીઓ ઝડપાયા હતા. જેના બે દિવસ બાદ એટલે કે બુધવારે રાજધાનીનું સૌથી મોટુ ડ્રગ્સ કેરેટ ઝડપી લેવાયું છે. છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ વર્ષે જ ફેબુ્રઆરી મહિનામાં ગુજરાતના સમુદ્રી વિસ્તારમાંથી ૩૩૦૦ કિલો ડ્રગ્સ જપ્ત થયું હતું જે દેશનું સૌથી મોટુ ડ્રગ્સ રેકેટ માનવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500