પશુપાલન એક એવો વ્યવસાય છે જેમાં ઓછી કે નહિવત આવડત સાથે મહિલાઓ પણ રોજગાર મેળવી શકે છે. તો રાજ્યની આવકમાં પશુધન ઉત્પાદનનો નોંધપાત્ર ફાળો છે. પૂરક તેમજ સતત મળી રહેતી આવક ધરાવતા આ વ્યવસાયથી ગામડાંની બેરોજગારી ઘટાડી શકાય છે. જેથી દરેક જિલ્લાઓમાં કાર્યરત પશુપાલન શાખા દ્વારા પશુ ઉત્પાદન, આરોગ્ય, સારવાર તેમજ રોગચાળા નિયંત્રણની કામગીરી કરવામાં આવે છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પશુધન સંવર્ધન અને સારવાર માટે કાર્યરત વિવિધ યોજનાઓ પૈકી સરકારના સફળ ૧૦૦ દિવસનાં કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાની પશુપાલન શાખાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.
પશુપાલન શખાને મળેલા વિવિધ લક્ષ્યાંકો પૈકીનાં મોટેભાગની યોજનાઓમાં ૧૦૦ ટકા કે તેથી વધુની સફળતા પ્રાપ્ત કરી છે. સુરત જિલ્લામાં ઘેંટા બકરામાં કૃમિનાશક સારવાર અભિયાન હેઠળ આપેલા ૨૫૦૦૦નાં લક્ષ્યાંક સામે ૩૬૯૯૪ની સિદ્ધિ મેળવી ૧૪૮ ટકા અને પશુ આરોગ્ય કેમ્પના આયોજનમાં ૧૦૭ કેમ્પ યોજી ૧૦૧ ટકાનો ધ્યેય પ્રાપ્ત કર્યો છે. તો પશુપાલન પ્રવૃત્તિઓ માટે પશુપાલકોને યોગ્યતા અનુસાર ધિરાણ આપતી પશુપાલકો માટેનાં કિસાન ક્રેડિટકાર્ડ વિતરણ યોજનામાં ૭૦ ની સામે ૮૦નો લક્ષ્યાંક પાર કરી ૧૧૪ ટકા સફળતા મેળવી છે.
રાજય સરકાર દ્વારા ગૌવંશનાં પશુઓમાં ઓલાદ સુધારણા દ્વારા પશુઓની નિયત પ્રજાતિની ઉત્પાદકતામાં વધારો કરતી ગૌવંશના પશુઓના ખસીકરણ ઝુંબેશમાં જિલ્લાની તમામ પશુ સારવાર સંસ્થાઓએ સાથે મળી મળેલા લક્ષ્યાંક સામે ૧૦૮ ટકા સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમજ માંડવી તાલુકાનાં વાંકલા ગામ ખાતે ૧ સ્થાયી પશુ દવાખાનાને કાર્યાન્વિત કરવાની કામગીરી સફળતા પૂર્વક કરવામાં આવી છે. તો ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં ખરવા મોવાસા અને બુસેલ્લોસિસ રોગને કારણે થતી વંધ્યત્વની સમસ્યાને નિવારવા પશુપાલન શાખા દ્વારા ૫૫ ટકા રસીકરણ કરી ૧૦૦ ટકાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા સફળતા પૂર્વક કામગીરી થઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500