ધ વ્યારા બાર એસોસિયેશન દ્વારા આજરોજ તાપી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે, સુરતના એડવોકેટ મેહુલ બોઘરા જે બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ નંબર જી/2595/2018થી વકીલાતની ડીગ્રી/ સનદ મેળવેલ છે જે એડવોકેટ ઉપર સરથાણા પાસે જાહેર રોડ પર પોલીસની હાજરીમાં ટી.આર.બી. સુપરવાઈઝર સાજન ભરવાડે વકીલને જાનથી મારી નાખવાના ઈરાદાથી અચાનક જીવલેણ હુમલો કરેલો હતો.
જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ફરતો થયેલ છે અને વકીલ મેહુલ બોઘરા તેમના ઉપર હુમલો કરનાર વ્યક્તિ ટી.આર.બી. સુપરવાઇઝર સાજન ભરવાડ હોવાનું મીડિયામાં તથા પોતે આપેલ ફરિયાદમાં જણાવેલ છે જે કારણે ગુજરાતના વકીલ આલમમાં ક્રોધની લાગણી છે.
આમ, સરથાણા પોલીસ સ્ટેશનમાં પોલીસનાં કર્મચારીઓની હાજરીમાં ટી.આર.બી. સુપરવાઇઝર સાજન ભરવાડે વકીલ ઉપર જે હુમલો કરેલ છે તે બનાવ વખોડવાને લાયક છે અને સદર બનાવને વ્યારા બાર એસોસિયેશન દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે.
વકીલ મેહુલ બોઘરા ઉપર કરવામાં આવેલ જીવલેણ હુમલાના સમયે વ્યારા બાર એસોસિએશન વકીલ મેહુલ બોગરાના પડખે છે તેમજ સદર બનાવની તપાસ તટસ્થ તેમજ વિના વિલંબે કરી સંકળાયેલ આરોપીઓને સખતમાં સખત સજા થાય તેમજ સંકળાયેલા આરોપીઓ તરફથી કોઈપણ વકીલ બચાવ પક્ષે ઉભો નહીં રહે તથા વકીલ મેહુલ બોઘરા ઉપર જે તદ્દન ખોટી ફરિયાદ ટ્રાફિક પોલીસના કર્મચારી દ્વારા કરવામાં આવેલ છે તે ફરિયાદ બાબતે વકીલ મેહુલ બોઘરા ઉપર પૂર્વગ્રહ રાખ્યા વગર સાચી અને પ્રામાણિક તપાસ કરવામાં આવે તેવી લાગણી વ્યારા બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોની છે.
તેમજ હાલના દિવસોમાં વકીલઓ ઉપર જીવલેણ હુમલાનાં બનાવો અવારનવાર બનતા હોવાના કારણે એડવોકેટ પ્રોટેકશન એક્ટ વકીલોની સલામતી માટે વહેલામાં વહેલી તકે લાગુ પાડવા માટે ઘટતું કરવામાં આવે તે માટે કલેક્ટર તાપીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500