'વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ'ની આહલેક સાથે પ્રારંભાયેલી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪'ની પ્રિ ઇવેન્ટના ભાગરૂપે, પ્રાકૃતિક ડાંગ જિલ્લાના આંગણે પણ આગામી તા.૬/૭ ઓક્ટોબરે 'વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ' નો કાર્યક્રમ યોજાશે. ડાંગ જિલ્લાના વેપારી મથક એવા વઘઇ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાનારા આ કાર્યક્રમના આયોજન અર્થે, તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી મહેશ પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ગઈ. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટરશ્રીએ જિલ્લાની સ્થાનિક વિશેષતાઓ, પોતિકા ઉત્પાદનો, સ્થાનિક ઉદ્યોગો વિગેરેને પ્રાધાન્ય આપવા સાથે, જિલ્લાના ત્રણેય તાલુકાઓને સમાન તક મળી રહે તેવા પ્રયાસોની હિમાયત કરી હતી. કાર્યક્રમ દરમિયાન પધારનાર મહાનુભાવ એવા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર સમારોહ સહિત, ભાગ-૨નાં તજજ્ઞોના કાર્યક્રમો, પ્રદર્શન અને સ્ટોલ્સ નિદર્શન સહિત યોજનાકીય સાહિત્યના વિતરણની સુચારુ વ્યવસ્થા ગોઠવવાની પણ કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે 'વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ'ની આ પહેલનો હેતુ લોકોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જોડવાનો છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ અને અમદાવાદ, સુરત, વડોદરા, તથા રાજકોટ મહાનગરપાલિકાઓ મળી કુલ ૩૭ જગ્યાઓએ 'વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ' સ્થાનિક ઔદ્યોગિક/વ્યાપારિક એસોસિયેશનની ભાગીદારીમાં આયોજિત કરાયા છે. આ ક્રાર્યકમમાં 'પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના'ના લાભાર્થી, MSME, સ્ટાર્ટ અપ, સેલ્ફ હેલ્પ ગૃપ્સ, મહિલા ઉધોગ સાહસિકો, ખાદી ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગ વિગેરેને સાંકળવામાં આવી રહ્યા છે. ડાંગમાં વિશેષ કરીને અહીંના પ્રાકૃતિક ધન ધાન્ય, બામ્બુ ક્રાફટ, વારલી પેઈન્ટિંગ જેવી સ્થાનિક કલા અને ઉદ્યોગકારો, ઉત્પાદકોને નજર સમક્ષ રાખીને આયોજન થઈ રહ્યું છે. એટલું જ નહિ, રાજ્યભરમાં વિવિધ સ્થળોએ એક્ઝિબિશન, ક્રેડિટ-લિઁકેજ સેમિનાર, એક્સ્પોર્ટ સેમિનાર, ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) બજાર, સ્ટાર્ટ અપ અને ઉદ્યોગ સાહસિકતા સેમિનાર, B2B/B2C/B2G મિટિંગો, ડિઝાઇન વર્કશોપ્સ, તથા માર્કેટીંગ અને બ્રાન્ડીંગ વર્કશોપ્સ વિગેરેનું પણ આયોજન કરાઇ રહ્યું છે.
'ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે વાઇબ્રન્ટ સમિટનું આ ૧૦મું સંસ્કરણ, આગામી તા.૧૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનાર છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સને ૨૦૦૩માં શરૂ કરાવેલી 'વાઇબ્રન્ટ સમિટ'ના સફળ બે દાયકાની ‘સમિટ ઓફ સક્સેસ’ની, ગત તા.૨૮મી સપ્ટેમ્બરે સાયન્સ સિટી-અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તે વખતે 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪'ની વેબસાઈટ તથા મોબાઈલ એપ લોન્ચિંગ અને બ્રોશરનું અનાવરણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સને ૨૦૦૩થી શરૂ કરાવેલી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ માટેના પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે ઉભરી આવી છે, તેમ જણાવ્યું હતું. દરમિયાન દેશની અર્થ વ્યવસ્થાને પાંચ ટ્રિલીયન યુ.એસ. ડોલર સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સામે ગુજરાતનું યોગદાન, ૧ ટ્રિલીયન ડોલર રહે તેવું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે તેમ, રાજ્યના ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. આમ, આ વેળા વિશેષ કરીને 'વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪'માં સ્થાનિક લોકોની ભાગીદારી માટે રાજ્યના જિલ્લાઓમાં પણ ‘વાઇબ્રન્ટ ગુજરાત–વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’નો નવતર અભિગમ હાથ ધરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500