અમેરિકાએ એક જ વર્ષમાં 10 લાખ ભારતીય નાગરિકોને નોન ઈમિગ્રન્ટ વિઝા મંજૂર કર્યા છે. ભારત સ્થિત અમેરિકન રાજદૂત એરિક ગાર્સેર્ટીએ એક કપલને વિઝા આપ્યા એ સાથે જ આંકડો એક વર્ષમાં 10 લાખે પહોંચ્યો હતો. રાજદૂતે એ કપલને મિસ્ટર એન્ડ મિસિસ વન મિલિયન ગણાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી હતી અને ભારત-અમેરિકાના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા હોવાનું પણ કહ્યું હતું. વિશ્વભરના યુએસ વિઝાધારકોમાં ભારતીયોની સંખ્યા 10 ટકા જેટલી ઊંચી થઈ ગઈ છે. એમાં 20 ટકા સ્ટૂડન્ટ્સ અને 65 ટકા એમ્પ્લોયમેન્ટ કેટેગરીનો સમાવેશ થાય છે. પાટનગર દિલ્હીમાં આવેલી અમેરિકન દૂતાવાસ કચેરીએ જાહેરાત કરી હતી કે અમેરિકાના ઈન્ડિયા મિશન અંતર્ગત એક વર્ષમાં 10 લાખ ભારતીયોને વિઝા આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. એ ટાર્ગેટ પૂરો થઈ ચૂક્યો છે. 2019ની સરખામણીએ વિઝા મંજૂર થયાનો આ આંકડો 20 ટકા વધારે છે.
ભારત સ્થિત અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ એક કપલને વિઝા આપ્યા એ સાથે જ આંકડો 10 લાખ થયો હતો. રાજદૂત ગાર્સેટીએ કપલને મિસ્ટર એન્ડ મિસિસ વન મિલિયન સંબોધન કર્યું હતું. ભારતીય કપલ ડૉ.રંજૂ સિંહ અને પૂનિત ડર્ગનને અમેરિકાના વિઝા મળ્યા હતા. આ દંપતી અમેરિકામાં ભણતા તેના દીકરાના પદવીદાન સમારોહમાં હાજર રહેશે. રાજદૂતે તેમને અમેરિકાના પ્લાન વિશે પૂછ્યું હતું અને અમેરિકાના ફરવા યોગ્ય સ્થળો વિશે પણ તેમની સાથે વાતચીત કરી હતી. જેને વિઝા મળ્યા છે તે કપલે જણાવ્યું હતુ અમને અમેરિકન દૂતાવાસનો ઈ-મેઈલ મળ્યો હતો કે તમે આ વર્ષે અમેરિકાના વિઝા મેળવનારા 10 લાખમા નાગરિક છો અને રાજદૂત વ્યક્તિગત રીતે તમને મળશે. આ અમારા માટે બેહદ સ્પેશિયલ અવસર હતો. આ અમારી પહેલી અમેરિકન યાત્રા છે અને અમારા માટે એ યાદગાર બની જવાની છે. એમ્બેસેડર એરિક ગાર્સેટીએ લખ્યું હતું હું આજે બેહદ ખુશ છું.
ભારત, ભારતીયો અને અમેરિકા માટે ખુશ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ જો બાઈડેને કહ્યું હતું કે આવો વિઝા અને વિદેશ મંત્રાલય માટે ઉત્સાહભેર કામ કરીએ. વધુમાં વધુ લોકો આ વિઝા સિસ્ટમમાં કામ કરી શકે તે માટે અમે સિસ્ટમને બદલી નાખી. અમે ખૂબ મહેનત કરી છે અને કુશળતાપૂર્વક આ વર્ષે 10 લાખ વિઝા મંજૂરીનો લક્ષ્યાંક પૂરો કર્યો છે. ભારત સાથે અમારી ભાગીદારી અમેરિકાના સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે. ખરા અર્થમાં દુનિયાના સૌથી મજબૂત સંબંધોમાં ભારત-અમેરિકાની ગણતરી થઈ રહી છે. આપણાં લોકો વચ્ચે સંબંધો પહેલાંની સરખામણીએ ક્યાંય વધુ મજબૂત બન્યા છે. અમે આ રેકોર્ડ બ્રેક સંખ્યાને આગળ વધારીશું અને ભારતીયોને નોન ઈમિગ્રન્ટ કેટેગરીમાં વિઝા આપતા રહીશું. તેનાથી ભારત-અમેરિકા વચ્ચે મિત્રતાનો અનુભવ થાય છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 12 લાખ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. એ કારણે દુનિયાભરના અમેરિકન વિઝાધારકોમાંથી ભારતની હિસ્સેદારી 10ને પાર થઈ હતી. અમેરિકાની મુલાકાત કરનારા ભારતીયોમાં 20 સ્ટૂડન્ટ્સ હતા. 65 ટકા એમ્પ્લોયમેન્ટ કેટેગરીના વિઝા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500