આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટે EDને નોટિસ મોકલી છે. આ મામલે આગામી સુનાવણી હવે ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં થશે. સંજય સિંહે દિલ્હી લીકર પોલીસી કેસમાં પોતાની ધરપકડને પડકારી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ધરપકડને પડકારવા કરતા તમારે નીચલી અદાલતમાં જામીન માટે અરજી આપવી જોઈતી હતી. સંજય સિંહની તારીખ 4 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તારીખ 20 ઓક્ટોબરના રોજ દિલ્હી હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
આ દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે, સંજય સિંહની ધરપકડ કાયદાના આધારે જ થઈ છે અને તપાસ એજન્સીઓ પર રાજનીતિના આધારે કામ કરવાનો આરોપ ન લગાવી શકાય. રેવેન્યુ વધારવા અને દિલ્હીમાં દારૂના કાળાબજાર પર અંકુશ લાવવાના ઉદ્દેશ્યથી અરવિંદ કેજરીવાલની સરકાર નવી લીકર પોલિસી લાવી હતી. 17 નવેમ્બર 2021 ના રોજ દિલ્હીમાં નવી લીકર પોલિસી લાગુ કરવામાં આવી હતી. પરંતુ તે ટૂંક સમયમાં જ વિવાદમાં આવી ગઈ અને 30 જુલાઈ 2022 ના રોજ સરકારે તેને પાછી ખેંચી લીધી હતી.
આ પોલિસીને લાગુ કરવા પાછળ AAP સરકારનો તર્ક એ હતો કે તેનાથી રેવેન્યુ વધશે અને બ્લેક માર્કેટિંગ પર પણ અંકુશ લાગશે. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ગ્રાહકો માટે પણ આ પોલિસી ફાયદાકારક રહેશે. પોલિસી હેઠળ દારૂની દુકાનો અડધી રાત્રે પણ ખુલ્લી રહી શકે છે અને સ્ટોર પોતાની સુવિધા પ્રમાણે આકર્ષક ઓફર આપીને દારૂનું વેચાણ કરી શકતી હતી. પોલિસી હેઠળ દારૂની તમામ દુકાનોને પ્રાઈવેટ બનાવી દેવામાં આવી હતી. જેમાં 32 ઝોન બનાવવામાં આવ્યા હતા અને દરેક ઝોનમાં 27 દુકાનો ખોલવામાં આવી શકતી હતી. આ રીતે કુલ 849 દુકાનો ખોલવાની હતી. નવી લીકર પોલિસી હેઠળ લાઈસન્સ ફી પણ 25 લાખ રૂપિયાથી વધારીને 5 કરોડ રૂપિયા કરી દેવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500