દેશમાં અત્યાર સુધી માત્ર બળાત્કારનાં કેસોમાં જ પીડિતાનું નામ જાહેર નહીં કરવાનો આદેશ હતો, પરંતુ હવે ગર્ભપાત કરાવનારી સગીરાઓનું નામ પણ જાહેર કરી શકાશે નહીં. દેશમાં વર્તમાન સમયમાં કોઈને કોઈ કારણથી સગીરાઓ ગર્ભવતી બની જતી હોવાની ઘટનાઓ બને છે. આવા કિસ્સામાં હવે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમે ડોક્ટરોને વિશેષરૂપે નિર્દેશ આપ્યો છે કે ગર્ભપાત કરાવવા પહોંચેલી સગીરાઓનું નામ સ્થાનિક પોલીસને પણ જણાવવાની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) એક્ટ હેઠળ અવિવાહિત મહિલાઓને વિવાહિત મહિલાઓની પ્રેગ્નન્સીમાં ગર્ભપાત કરાવવાનો અધિકાર આપ્યાના બીજા દિવસે હવે આ કાયદા હેઠળ સગીરાઓને પણ વિશેષ લાભ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંમતીથી જાતીય પ્રવૃત્તિમાં સામેલ સગીરાને એમટીપી એક્ટ હેઠળ લાભ મળવો જોઈએ. ડૉક્ટરોએ આવી સગીરાઓની ઓળખ સ્થાનિક પોલીસ સમક્ષ ઉજાગર કરવાની જરૂર નથી.
ન્યાયાધીશો ડીવાય ચંદ્રચૂડ, એએસ બોપન્ના અને જેબી પારડીવાલાની બેન્ચે એક ઐતિહાસિક ચૂકાદામાં એમપીટી એક્ટ હેઠળ પ્રેગ્નન્સીનાં 20-24 સપ્તાહ વચ્ચે ગર્ભપાત માટે અવિવાહિત મહિલાનો સમાવેશ કર્યો છે અને કહ્યું કે આ જોગવાઈ માત્ર વિવાહિત મહિલા સુધી મર્યાદિત રાખવી તે કલમ 4 નો ભંગ અને ભેદભાવપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે એમટીપી કાયદા હેઠળ પારસ્પરિક સહમતીથી શારીરિક સંબંધ બનાવનારી સગીરાઓના નામ જાહેર નહીં કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમે કહ્યું કે, એમટીપી એક્ટનાં નિયમ 3બી(બી)નાં વિસ્તારનો લાભ 18 વર્ષથી ઓછી વયની સગીરાઓ સહિત બધી જ વયની મહિલાઓને મળવો જોઈએ. સાથે જ કોર્ટે સલાહ આપી છે કે પોક્સો કાયદા અને એમટીપી કાયદાને વિસ્તારથી વાંચવામાં આવે. બેન્ચે કહ્યું કે, એમટીપી એક્ટની શરતોમાં ગર્ભપાતના હેતુ માટે ડૉક્ટરે પોક્સો એક્ટની કલમ 19(1) હેઠળ પૂરી પાડવામાં આવતી માહિતીમાં સગીરાની ઓળખ અને અન્ય વિગતો જાહેર કરવાની કોઈ જરૂર નથી.
આમ ડૉક્ટરોને પોક્સો કાયદા હેઠળ કાયદાકીય કાર્યવાહીમાં સગીરાની ઓળખ જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. એમટીપી એક્ટનું આ પ્રકારનું અર્થઘટન પોક્સો કાયદા હેઠળ ગૂનાની ફરજિયાત જાણ કરવાની ડૉક્ટરની કાયદાકીય જવાબદારી અને બંધારણની કલમ 21 હેઠળ સગીરાની ગોપનીયતા અને પ્રજોત્પાદન સ્વાયત્તતા વચ્ચેના કોઈપણ સંઘર્ષને અટકાવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સગીરાને સલામત ગર્ભપાતના અધિકારથી વંચિત રાખવાનો ધારાસભાનો આશય ક્યારેય ન હોઈ શકે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500