સુપ્રીમ કોર્ટે મલયાલમ ન્યૂઝ ચેનલ મિડીયા વન પરના પ્રસારણ પ્રતિબંધને દૂર કર્યો છે અને સુપ્રીમ કોર્ટે હકીકતને ધ્યાનમાં લીધા સિવાય રાષ્ટ્રીય સુરક્ષાનો દાવો કરવા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીકા કરી છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડની નેતૃત્ત્વવાળી ખંડપીઠે મીડિયા વનના પ્રસારણ પર સુરક્ષાનાં આધારે પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવતા કેરળ હાઇકોર્ટના ચુકાદાને રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સરકારની નીતિઓની વિરુદ્ધ મીડિયા વન ચેનલના ટીકાત્મક વિચારોને દેશ વરોધી ગણાવી ન શકાય કારણકે મજબૂત લોકશાહી માટે પ્રેસ સ્વતંત્રતા જરૂરી છે. ખંડપીઠે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના દાવા હવામાં ન કરી શકાય તે સાબિત કરવા માટે મજબૂત તથ્ય હોવા જરૂરી છે.
કેરળ હાઇકોર્ટે ચેનલના પ્રસારણ પર સુરક્ષાના આધારે રોક લગાવવાના કેન્દ્રના ચેનલ પર પ્રતિબંધ મૂકવાના 31 જાન્યુઆરીનાં નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. ન્યૂઝ ચેનલે કેરળ હાઇકોર્ટના આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ચેનલનાં શેર હોલ્ડરોના જમાતે ઇસ્લામી હિંદ સાથેના સંબધોને આધારે ચેનલ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે મલયાલમ ચેનલને ચાર સપ્તાહની અંદર નવીનીકૃત લાયસન્સ આપવા જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે પ્રેસની સ્વતંત્રતા અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે સમાજ માટે સ્વતત્ર પ્રેસ ખૂબ જ જરૃરી છે.
કોઇ પણ ઇન્વેસ્ટગેટિવ રિપોર્ટનો આ રીતે વિરોધ કરી ન શકાય. આ લોકોના અધિકાર સાથે જોડાયેલી વાત છે. દેશની સુરક્ષાનો સંદર્ભ આપીને લોકોને તેમના અધિકારોથી વંચિત રાખી ન શકાય. કોઇ પણ સરકાર આ પ્રકારે કારણ વગર પ્રેસ પર પ્રતિબંધ મૂકી શકે નહીં. તેનાથી સમાજ પર ખરાબ અસર પડે છે અને પ્રેસની સ્વતંત્રતાને અસર થાય છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર કેન્દ્રે જણાવ્યું હતું કે, ચેનલ લઘુમતીઓનો પક્ષ લઇને સમાચાર પ્રસારિત કરતી હતી. કેન્દ્રે દાવો કર્યો હતો કે ચેનલે યુએપીએ, એનઆરસી અન ન્યાયતંત્રની પણ ટીકા કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500