Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં અનેક પૂરાવા મેળવવાના હજુ બાકી હોય સિટ દ્વારા સરકાર પાસે વધુ સમયની માંગણી થઈ

  • June 06, 2024 

સમગ્ર ગુજરાતને હચમચાવનાર રાજકોટનાં ટીઆરપી ગેમઝોનમાં ગુનાહિત બેદરકારી દાખવાતા લાગેલી આગમાં 27 નિર્દોષ માનવદેહો સળગીને કોલસા જેવા થઈ ગયાના અત્યંત દર્દનાક બનાવમાં રાજ્ય સરકારે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિમેલી સિટને 10 દિવસમાં તપાસ કરવાનો આદેશ કર્યો હતો જે દસ દિવસ આજે પૂરા થયા છે. પરંતુ આ અગ્નિકાંડમાં અનેક પૂરાવા મેળવવાના હજુ બાકી હોય સિટ દ્વારા સરકાર પાસે વધુ સમયની માંગણી થઈ છે. સિટની તપાસમાં પોલીસની મંજુરીની પ્રક્રિયાની ફાઈલનો આશરે અર્ધો હિસ્સો ગાયબ થઈ ગયો છે અને તે આજ સુધી મળેલ નથી, ઉપરાંત અન્ય દસ્તાવેજી પૂરાવાઓની પણ સિટ દ્વારા શોધખોળ કરાઈ રહ્યાનું જાણવા મળે છે.


બીજી તરફ રાજકોટ પોલીસની સિટ દ્વારા આ અગ્નિકાંડમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસમાં એક આરોપી અને ગેમઝોનના માલિક કિરીટસિંહ જાડેજાની રિમાન્ડ આજે પૂરી થતા આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરાશે. સૂત્રો અનુસાર આરોપીની પુછપરછમાં એવું બહાર આવ્યું છે કે, 2001માં ગેમઝોનની શરૂઆત થતા તે ધીમે ધીમે જામવા લાગ્યો અને લાખો રૂપિયાની તગડી આવક થવા લાગતા તેમાં બાંધકામ વધવા લાગ્યું હતું. પરંતુ આ ગેમઝોનમાં કેટલી આવક થઈ છે તે અંગે પોલીસને હજુ ચોક્કસ માહિતી મળી નથી, કારણ કે મુલાકાતી લોકો દ્વારા કેટલાક ઓનલાઈન અને કેટલાક કેશ પેમેન્ટ કરતા હતા અને રોકડ વ્યવહારનું આખુ રેકોર્ડ આગમાં સળગી ગયાનું જણાવાયું છે.


જ્યારે બેન્કીંગ વ્યવહારોની વિગતો મેળવાઈ રહી છે. આ કેસમાં મોટી લેવડદેવડની શક્યતા છે અને ઈન્કમટેક્સ પણ તપાસમાં ઝંપલાવે તેવી શક્યતા છે. માલિકો-ભાગીદારોએ ગેમઝોનનો વિસ્તાર કરવા સાથે તેમાં ફોમ સહિત ઝડપથી સળગી ઉઠે તેવા પદાર્થોનો વ્યાપક ઉપયોગ થયો હોય ફાયર સેફ્ટી માટે સાધનો ખરીદવા તજવીજ હાથ ધરી હતી. પરંતુ ફાયર સેફ્ટી સાધનોના જાણકાર દ્વારા જે ધારાધોરણ મૂજબ સાધનો ખરીદવા ભલામણ કરી તે મોંઘા હોય સસ્તા અને હલકી ગુણવત્તાના કેટલાક સાધનો રખાયા હતા. આગ વેલ્ડીંગના તણખાંથી લાગી તેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેમાં આગ બુઝાવવાનો પહેલા આવા સાધનોથી પ્રયાસ થાય છે પરંતુ તેનાથી આગ બુઝાઈ ન્હોતી અને ઝડપથી આખા ડોમમાં પ્રસરી હતી અને સત્તાવાર રીતે ૨૭ લોકો જીવતા ભુંજાઈ ગયા હતા.


આમ, આરોપીઓની ગંભીર બેદરકારી ખુલી છે. પોલીસે મહાપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા, ઘટના વખતના એ.ટી.પી. ગૌતમ જોષી અને તે પહેલાના એ.ટી.પી.મુકેશ મકવાણા તથા ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરીને હાલ રિમાન્ડ પર છે. મનપાના આ આરોપીઓની પુછપરછમાં કેટલાક અન્ય નામો બહાર આવી રહ્યાનું જાણવા મળે છે ત્યારે અન્ય શખ્સોની ધરપકડની પણ સંભાવના છે. મનપાના ટી.પી.શાખાના અધિકારીઓ આટલા તોતિંગ ગેરકાયદે બાંધકામને બે સંજોગોમાં જાણી જોઈને તોડી ન પાડે જેમાં એક તો પોતે ગેમઝોનના માલિકો, સંચાલકો સાથે મીલીભગત હોય અને વહીવટ કરી લીધો હોય અથવા બીજું કોઈ વગદાર પદાધિકારી કે અધિકારીની ભલામણ આવી હોય. કોણે ભલામણ કરી કે શુ વહીવટ કર્યો તે મુદ્દો હજુ પોલીસ તપાસમાં બહાર આવ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application