ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વધુ એક સફળતા પોતાના નામે નોંધાવી છે. ભારતની અવકાશ એજન્સીએ શનિવારના રોજ સિંગાપુરના બે ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યા છે. ઈસરોએ આ જાણકારી આપતા કહ્યું હતું કે શનિવારના રોજ સિંગાપુરના બે ઉપગ્રહોને લઈને PSLV C55 રોકેટે અવકાશ કેન્દ્ર પરથી ઉડાન ભરી છે.
આ મિશન ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ની કોમર્શિય બ્રાન્ચ છે. ISROએ જણાવ્યું હતું કે PSLV C55 રોકેટ 'TeLEOS-2'ને પ્રાથમિક ઉપગ્રહ તરીકે અને 'Lumelite-4'ને સહ-મુસાફર ઉપગ્રહ તરીકે લઈને રવાના થયું હતું. તેણે બંને ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યા છે.
PSLV એટલે કે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ એ ભારતીય અવકાશ એજન્સી ISRO દ્વારા ડિઝાઈન કરાયેલ અત્યંત સફળ પ્રક્ષેપણ વાહન છે. તેના દ્વારા સિંગાપુરના બે ઉપગ્રહોને લોન્ચ કરવા માટે શુક્રવારના રોજ અહીંના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં 22.5 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું. મિશનના ભાગ રૂપે ચેન્નાઈથી લગભગ 135 કિમી દૂર સ્થિત અવકાશ કેન્દ્રમાંથી 44.4 મીટર લાંબુ રોકેટ બંને ઉપગ્રહોને વહન કરતા પ્રથમ લોન્ચ પેડ પરથી રવાના થયું હતું અને ત્યારબાદ તેણે બંને ઉપગ્રહોને ઈચ્છિત ભ્રમણકક્ષામાં મૂક્યા હતા.
સિંગાપુર માટે બંને ઉપગ્રહ ખૂબ જ ખાસ છે. મળતી માહિતી અનુસાર, આ ઉપગ્રહોનો હેતુ સિંગાપુરની ઈ-નેવિગેશન, દરિયાઈ સુરક્ષાને વધારવાનો અને વૈશ્વિક શિપિંગ સમુદાયને ફાયદો પહોંચાડવાનો છે. બંને ઉપગ્રહોનું સંયુક્ત વજન અંદાજે 757 કિલોગ્રામ છે. TeLEOS-2 ઉપગ્રહ DSTA (સિંગાપુરની સરકારી કંપની) અને ST એન્જિનિયરિંગ વચ્ચેની ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવ્યો છે. સિંગાપુર આ ઉપગ્રહ દ્વારા હોટસ્પોટ મોનિટરિંગ અને ધુમ્મસ વ્યવસ્થાપન, હવાઈ અકસ્માતો દરમિયાન શોધ અને બચાવ કામગીરી વગેરે કરી શકે છે. તે તમામ હવામાન પરિસ્થિતિઓમાં દિવસ અને રાત્રિ કવરેજ પ્રદાન કરશે.
ISRO મુજબ, PSLV-C55 એ સિંગાપુરના ઉપગ્રહને અવકાશમાં મોકલવા માટે ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા બનાવવામાં આવેલ એક સમર્પિત વ્યાપારી PSLV મિશન છે. આમ તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) પોતાનામાં ખૂબ જ ખાસ છે. ISRO દ્વારા ડિઝાઈન કરેલ આ વાહનને રિમોટ ઓપરેશન, નેવિગેશન, કોમ્યુનિકેશન અને મોટા અવકાશ મિશન માટે સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવ્યું છે. આ વાહનની આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘણી પ્રશંસા થઈ છે. કારણ કે તેના માધ્યમથી ISROએ દુનિયાભરમાંથી સેંકડો ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500