નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મહારાષ્ટ્ર સરકારને રૂપિયા 12 હજાર કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ તાજેતરમાં જ આ મુદ્દે બંગાળ સરકારને રૂપિયા 3,500/- કરોડનો દંડ ફટકાર્યો હતો. બંને રાજ્ય સરકારો પ્રવાહી-ઘન કચરાનાં નિકાલમાં નિષ્ફળ ગઈ છે. ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની ખંડપીઠે નિર્દેશ પસાર કરતા કહ્યું કે ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય રીતે નિકાલ નહીં કરી શકવાથી એનજીટી કાયદાની કલમ 15 હેઠળ દંડ કરવો જરૂરી છે.
ટ્રિબ્યુનલે કહ્યું કે, આદેશ પસાર કરવા છતાં છેલ્લા આઠ વર્ષમાં ઘન કચરાના નિકાલ અને પાંચ વર્ષમાં પ્રવાહી કચરાના નિકાલ મુદ્દે કોઈ નક્કર પરિણામ જોવા મળ્યા નથી. કાયદાકીય અને નિર્ધારિત સમય મર્યાદા પૂરી થવા છતાં સ્થિતિ યથાવત્ છે. એવામાં ભવિષ્યમાં પર્યાવરણને નુકસાન રોકવાની જરૂર છે. તેથી મહારાષ્ટ્ર સરકારને રૂપિયા 12 હજાર કરોડનો દંડ કરવામાં આવે છે.
રાજ્ય સરકારની બેદરકારીના કારણે પર્યાવરણને નુકસાન થયું છે, જેના આધારે દંડ કરવામાં આવે છે. ટ્રિબ્યુનલે કહ્યું કે રાજ્ય સરકારે બે મહિનામાં દંડની આ રકમ જમા કરાવવાની રહેશે. આ રકમ મુખ્ય સચિવના નિર્દેશો મુજબ સંચાલિત કરાશે. એનજીટી અધ્યક્ષ ન્યાયાધીશ એકે ગોયલની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓ પ્રત્યે બેદરકારી રાખી શકાય નહીં. તેને લાંબા સમય સુધી ટાળી શકાય નહીં.
પ્રજાને પ્રદૂષણ મુક્ત વાતાવરણ આપવું રાજ્ય સરકાર અને સ્થાનિક એકમોની બંધારણીય જવાબદારી છે. પેનલે કહ્યું હતું કે, જીવનના અધિકારનો ભાગ હોવાના કારણે ભંડોળની અછતને આગળ ધરી આ પ્રકારના અધિકારનો ઈનકાર કરી શકાય નહીં પર્યાવરણને નુકસાનને ધ્યાનમાં રાખીતા અમારું માનવું છે કે પાછલા ઉલ્લંઘન માટે વળતરની ચૂકવણી વહેલી તકે કરવી જોઈએ અને આગળથી એ બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે અને પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરવામાં આવે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500