Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટની કરુણાતીકાને પગલે સમગ્ર ગુજરાત સરકાર જાગી, રાજ્યભરના વિવિધ ગેમિંગઝોનોમાં તપાસ હાથ ધરવામાં આવી

  • May 27, 2024 

રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડને લઈ ગુજરાત સહિત દેશના દરેક લોકોના હ્રદય થંભી ગયા છે. આ ઘટનામાં માસૂમ બાળકો, મહિલાઓ, TRP Game Zone ના કર્મચારી અને યુવાનો વિકરાળમાં હોમાયા છે. આ ઘટનામાં આશરે 33 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર મૃતદેહોની કતાર જોવા મળી રહી છે. તે ઉપરાંત આશરે 30 જેટલા લોકો પોતાના સ્વજનોને હજુ પણ ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલમાં શોધી રહ્યા છે. ભોગ બનાનાર પરિવારમાં પણ માતમનો માહોલ છવાયો છે. પરિવારની એક જ માંગ છે કે, પોતાની દીકરી-સંતાન કે પરિજન પરત આવે. પરંતુ તેમને કોણ સમજાવે કે, તેમને આગ ભરખી ગઈ છે અને હવે તે પાછા ક્યારેય પરત નહીં ફરે. આ કરુણ ઘટના બાદ રાજકોટ કલેક્ટર અને અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એક પછી એક મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા સન્નાટો પ્રસરી ગયો છે. સમગ્ર દેશ અને શહેર સ્તબ્ધ છે.


માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહિત દસની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આઇપીએસ સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ  સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. અમદાવાદ ચીફ ફાયર ઓફિસર પણ એસઆઈટીમાં સામેલ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે એસઆઈટીના સભ્યો રાજકોટ જવા રવાના થઈ ગયા છે. ટીઆરપી આગકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે. સીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું,  રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આવી દૂર્ઘટનાઓ ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે.


રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને લઈને રાજ્ય સહિત દેશના લોકોએ દુઃખ વ્યક્ત કરી તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના વસવસા સાથે રોષ વ્યક્ત કર્યો છે. આ ગેમઝોનમાં અનેક મોટા અધિકારીઓ મુલાકાત લઈ ચુક્યા છે જેને લઈ અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે. જો આ અધિકારીઓએ એકવાર સેફ્ટીની પણ ચકાસણી કરી લીધી હોત તો કદાચ આવો કાળો દિવસ ન આવત. પૂર્વ કલેક્ટર, પોલીસ કમિશનર, તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ, તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ મુલાકાત લીધી હતી. વર્ષ 2022માં ગેમઝોનની મુલાકાત લઇ શુભેચ્છા આપી હતી. તત્કાલીન એસ.પી. બલરામમીણા અને ડીસીપીપ્રવીણ મીણાએ પણ હાજરી આપી હતી.


અધિકારીઓના મુલાકાતની તસવીર સામે આવી છે. જે તસવીર બાદ લોકોમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ પહોંચી પણ કામે લાગી છે. કાટમાળમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. કેટલાક લોકોના ફોટોગ્રાફ પણ મળી આવ્યા છે. કાટમાળમાં સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી છે. રાજકોટના ટીઆરપી ગેમઝોનમાંથી બિયરના ટીન પણ મળ્યા છે. પોલીસે ઓફિસમાંથી બિયરના ટીન કબજે કર્યા છે અને કહ્યું હતું કે જેના હશે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કરુણ ઘટના બાદ ગેમઝોનની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે, ત્યારે બાળકોના રમત ગમતના સ્થાન એવા ગેમ ઝોનમાં સુરક્ષાના માપદંડ કેટલા રાખવામાં આવ્યા છે,તેને લઈને મામલતદાર સહિત નગરપાલિકાના ફાયર ઓફિસરની ટીમ ચકાસણી અર્થે નીકળી હતી.


આ ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટી સહિત એક્ઝિટ અને એન્ટ્રી અને અન્ય સુરક્ષાના માપદંડોના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે, કેમ તેને લઈને પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે. જો ગેમ ઝોન દ્વારા કોઈપણ સુરક્ષા માપદંડનું પાલન ન થતું હોય છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને લઈને પણ તંત્ર સાબદુ બન્યું છે. રાજકોટની દુર્ઘટના બાદ વડોદરામાં પણ સેફ્ટીનો અભાવ હોવાનું આવ્યું બહાર શોપિંગ ફેસ્ટિવલમાં ફાયર સેફટી જ નહીં, કેટલીક જગ્યાએ એન્ટ્રી-એક્ઝીટનો એક જ રસ્તો. રાજકોટની આ કરુણ દુર્ઘટના બાદ વડોદરામાં રાતોરાત 9 જેટલા ગેમ ઝોન બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપાયો છે, ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર એન્ડ ઇમરજન્સી સેવાના અધિકારીઓ-કર્મચારીઓ સાથે ફાયર સેફ્ટી રિચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.


જેમાં ટેમ્પરરી હોટેલો, ફનઝોન તથા ઘરેલુ સામાનની દુકાનોમાં સેફિટીના પુરતા સાધોનનો અભાવ જોવા મળ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં આગની ઘટના બાદ વડોદરામાં 9 ગેમઝોન બંધ કરવામાં આવ્યા છે. તેમ છતા હોટલ, રેસ્ટોરન્ટ, ટેમ્પરરીઉભી કરાયેલી ઘરવખરીની દુકાનો, વાંસનાદંડા વડે તૈયાર કરાયેલા ટેમ્પર રીડોમમાં એકમાત્ર ઇન અને આઉટ ગેટ જોવા મળ્યો હતા. તે સિવાય ફરસાણની નામાંકિત રેસ્ટોરન્ટમાં પણ આવવા જવા માટે એક જ રસ્તો જોવા મળ્યો હતો. અંદર સેન્ટ્રલ એસ.સી હતું પરંતુ ફાયર સેફટી કે ફાયર એલાર્મ જેવું કાઈ જ જોવા મળ્યું ન હતું. જેને પગલે તંત્રએ બેરોકટોક પરમિશન આપી સેફ્ટી અંગે ચકાસણી વગર આ રીતે ચાલતા આવા ધંધાદારી સામે કાર્યવાહી થવી જોઈએ કારણકે મોટા ભાગના લોકો આવી રેસ્ટોરન્ટ, હોટલ, ઘરવખરીની દુકાનો, રેસ્ટોરન્ટ અને શેરડીનાકોલામાં વધુ જવાનું પસંદ કરતાં હોય છે.


વડોદરા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઇ શહેરનાસેવાસી વિસ્તારમાં આવેલા એડવેન્ચરપાર્કમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. ફાયરની પાણીની લાઈન બંધ હોવાથી તાત્કાલિક ફાયરની પાણીની લાઈન બદલવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા છે. અમદાવાદ મ્યુનિસિપલકોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કે આજે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલા વિવિધ 14 જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ કરાયું હતું. અત્યાર સુધીની પ્રાથમિક માહિતીમાં જેટલા પણ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી છે. તેમાં મોટાભાગના ગેમ ઝોનમાં જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે એક જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગે ત્યારે ધુમાડા બહાર નીકળવા માટે જે વેન્ટિલેશન હોવું જોઈએ તે વેન્ટિલેશન પણ પ્રોપર ન હોવાનું ધ્યાને આવ્યું છે.


જેથી આ તમામ બાબતોની ચકાસણી કરી અને જ્યાં સુધી આ ખામીઓને દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ગેમ ઝોનને ચાલુ ન કરવા દેવા અંગેની સૂચના આપવામાં આવી છે. તમામ ગેમ ઝોનમાં આજે ચેકિંગ પૂર્ણ થયા બાદ એનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકારને મોકલવામાં આવશે. અમદાવાદના તમામ ગેમ ઝોનમાં ફાયર બ્રિગેડ, એએમસી અને પોલીસના અધિકારીઓએ ફાયર સેફટી, એનઓસી, ગેમ ઝોનમાં એન્ટ્રીએક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી. ગેમ ઝોન ચલાવવા માટે કેવા પ્રકારની મંજૂરી લેવામાં આવી છે તે અંગેનાડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામાં આવી છે. જેમાં એક ટીમ દ્વારા સિંધુભવન રોડ ઉપર આવેલા શૉટગેમ ઝોનમાં પણ તપાસ કરવામાં આવી હતી.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેકસ મામલે વિવાદમાં એસ.જીહાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમમોલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રકારની ફાયર સિસ્ટમ કાર્યરત હોવાનું સામે આવ્યું હતું.સિંધુભવન રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં ઈમરજન્સીએક્ઝિટ માટે અલગથી ગેટ બનાવવાની શરૂઆત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગેમ ઝોનમાં તાત્કાલિક ધોરણે કામગીરી ચાલી રહી છે. જોકે આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફનબ્લાસ્ટમાં હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટની આ દુર્ઘટના બાદ નવસારીમાં પણ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ આપ્યા હતા અને ત્યારબાદ પોલીસ, ફાયર વિભાગ દ્વારા બરાબર ચેકિંગ અને પરમિશનો ની તપાસ કર્યા બાદજ તેમને ફરીથી ચાલુ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application